જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલા ખેતર નજીકથી બળદોને ચરવાની ના પાડતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ યુવાન ઉપર પાવડા અને કોદારી જેવા હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલા દિપક રામાભાઈ પરમાર નામના યુવાનના ખેતરના સેઢા પાસે બળદો ચરતા-ચરતા આવી જતાં આ બળદો ખેતરમાં રહેલા પાકને નુકસાન ન કરે તે માટે દિપકે બળદોને બાંધી લીધા હતાં. જેથી પ્રવિણ ભવાનભા રાઠોડ અને તેનો પુત્ર ઋત્વિક પ્રવિણ રાઠોડ નામના બન્ને શખ્સોએ દિપકને ‘તે અમારા બળદોને કેમ બાંધેલ છે ?’તેમ કહી અપશબ્દો બોલી પાવડા જેવા હથિયાર વડે પગમાં અને ઋત્વિકે કોદારી જેવા હથિયાર વડે જમણા હાથમાં તથા ડાબા પગમાં ઘા મારી ઈજા પહોંચાડી હતી.
બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બનાવની જાણ થતા હેકો ડી.બી. લાઠીયા તથા સ્ટાફે પિતા-પુત્ર વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામજોધપુરના સતાપરમાં યુવાન ઉપર પિતા-પુત્ર દ્વારા હુમલો
બળદ બાંધવા બાબતે માર માર્યો : પાવડા અને કોદારી જેવા હથિયાર વડે ઈજા પહોંચાડી : હુમલાખોર પિતા-પુત્રની શોધખોળ