જામનગર શહેરમાં લીમડાલાઇન વિસ્તારમાં રહેતા યુવાન સાથે થયેલી અગાઉની માથાકૂટનો ખાર રાખી છ શખ્સો રીક્ષામાં અપહરણ કરી લઇ જઇ છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના લીમડાલાઇનમાં આવેલા મકરાણી પાળામાં રહેતો અને ડ્રાઈવિંગ કરતા ફારુક હારુન ખેરાણી (ઉ.વ.35) નામના યુવાન સાથે જૂનો રાગદ્વેષ રાખી મોઇન યુનુસ સુમુરા નામના શખ્સે શનિવારે રાત્રિના સમયે ફારુકના પગમાં છરીનો એક ઘા ઝીંકયો હતો અને ત્યારબાદ મોઈન યુનુસ સુમરા, યુનુસ જાનમામદ સુમરા નામના બે શખ્સોએ ફારુકનો રીક્ષામાં અપહરણ કરીને લઇ ગયા હતાં તેમજ લોખંડના પાઇપ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી તેમજ વિકટોરિયા પુલ નીચે લઇ જઇ છરીના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી.
હુમલામાં ઘવાયેલા ફારુકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનવાની જાણ થતા પીએસઆઈ એસ.એમ. રાદડિયા તથા સ્ટાફે છ શખ્સો વિરૂધ્ધ અપહરણ અને હુમલો તથા ધમકીનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.