ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતાં આદિવાસી યુવાનની તરૂણી પુત્રીએ તેના ઘરે અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની સીમમાં આવેલી સુરુભા જાડેજાની વાડીમાં મજુરી કામ કરતા મગન અખાડીયા નામના આદિવાસી યુવાનની પુત્રી નિર્મલાબેન અખાડીયા (ઉ.વ.16) નામની તરૂણીએ ગત તા.6 ના ગુરૂવારે બપોરના સમયે તેના ખેતરમાં કોઇ અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તરૂણીને ગંભીર હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મંગળવારે મધ્યરાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા મગનભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.