10 એપ્રિલથી 18 વર્ષથી વધુ વયના લોકો કોરોનાનો બૂસ્ટર ડોઝ મેળવી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોના વાયરસ રસીના પ્રિકોશન ડોઝ ખાનગી રસીકરણ કેન્દ્રો પર પણ ઉપલબ્ધ થશે. મંત્રાલયે જણાવ્યું હતું કે જેઓ 18 વર્ષથી વધુ ઉંમરના છે અને જેમને રસીનો બીજો ડોઝ લીધાને નવ મહિના થઇ ગયા છે. તેઓ ખાનગી રસીકરણ કેન્દ્રો પર પ્રિકોશન ડોઝ માટે પાત્ર હશે. સિરમ ઇન્સ્ટટીયુટ દ્વારા બુસ્ટર ડોઝ માટે કોવિશીલ્ડના એક ડોઝની કિંમત રૂા. 600 નકકી કરવામાં આવી છે. નાગરિકોએ સ્વખર્ચે કોરોનાનો આ બુસ્ટર ડોઝ લગાવવાનો રહેશે.
મંત્રાલયે કહ્યું કે, હાલમાં પ્રથમ અને બીજા ડોઝ સરકારી કેન્દ્રો પર આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આ કેન્દ્રો પર હેલ્થકેર વર્કસ ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય લોકો કે જેઓ બૂસ્ટર ડોઝ લેવા ઇચ્છુક હોય તેઓ પણ ખાનગી રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈને રસી મેળવી શકે છે. અગાઉ કહેવામાં આવ્યું હતું કે, જે લોકોને કોરોના રસી મળી છે તેઓ હવે કોવિન પોર્ટલ પર તેમના કોવિડ -19 રસીકરણ પ્રમાણપત્રમાં થયેલી ભૂલોને સુધારી શકશે. આરોગ્ય મંત્રાલય અનુસાર, નવા અપડેટમાં કોવિન પોર્ટલમાં એક સુવિધા આપવામાં આવશે, જેના દ્વારા રસીકરણ પ્રમાણપત્રોમાં નામ, જન્મ વર્ષ અને લિંગમાં અજાણતા થયેલી ભૂલો સુધારી શકાશે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી દેશની તમામ 15+ વસ્તીમાંથી લગભગ 96% લોકોએ ઓછામાં ઓછી એક કોરોના રસી મેળવી છે. જ્યારે 15+ વય જૂથમાંથી લગભગ 83% લોકોએ બંને ડોઝ લીધા છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 + વય જૂથોને પણ 2.4 કરોડથી વધુ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. 12થી 14 વર્ષની વયજૂથના 45% લોકોએ પણ પ્રથમ ડોઝ લીધો છે.