સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જામનગરમાં પ્રક્રિયા ચાલી રહી છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જામનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીઓ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ છે. જામનગર જિલ્લા પંચાયતમાં ગઇકાલે વધુ પાંચ ફોર્મ તથા તાલુકા પંચાયતમાં 55 ફોર્મ ભરાયા હતાં. આ ઉપરાંત સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે નવ ઉમેદવારીપત્રો રજૂ થયા છે. જ્યારે ચાર દિવસ બાદ પણ જામજોધપુર નગરપાલિકા માટે એકપણ ફોર્મ રજૂ થયેલ નથી.
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ગઇકાલે તા. 11ના રોજ પાંચ ફોર્મ ભરાયા હતાં. હજૂ સુધી કુલ 6 ફોર્મ ભરાયા છે. જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગઇકાલે વધુ 55 ફોર્મ ભરાયા છે. જેમાં જામનગર તાલુકા પંચાયતમાં છ, કાલાવડમાં 21, જામજોધપુરમાં 23, ધ્રોલમાં બે, જોડિયામાં 3 ફોર્મ રજૂ થયા છે. આમ ગઇકાલે એક જ દિવસમાં કુલ 55 ફોર્મ રજૂ થયા હતાં. છ તાલુકા પંચાયતમાં હજૂ સુધી કુલ 66 ફોર્મ ભરાયા છે.
સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે ગઇકાલે એક જ દિવસમાં 9 ફોર્મ રજૂ થયા હતાં. સિક્કાના સાત વોર્ડની 28 બેઠક માટે ગઇકાલે નવ ફોર્મ ભરાયા હતાં. જેમાં વોર્ડ નં. 1 અને બેમાં ત્રણ-ત્રણ તથા વોર્ડ નં. 4માં બે અને વોર્ડ નં. 5માં એક ફોર્મનો સમાવેશ થાય છે. જ્યારે જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં સતત ચોથા દિવસે એકપણ ફોર્મ ભરાયું ન હતું.