Xiaomi એક પ્રખ્યાત ચાઇનીઝ મોબાઇલ કંપની છે, પરંતુ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેના પર કાર્યવાહી કરી છે. ED એ FEMA હેઠળ મેસર્સ Xiaomi ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના રૂ. 5551.27 કરોડ જપ્ત કર્યા છે. આ પૈસા કંપનીના અલગ-અલગ ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા.નોંધનીય છે કે Xiaomi India એ ચીન સ્થિત Xiaomi ગ્રૂપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જે ઇલેક્ટ્રોનિક્સમાં સોદો કરે છે. EDએ આ વર્ષે ફેબ્રુઆરીમાં કંપની દ્વારા કરાયેલા ગેરકાયદેસર વ્યવહારોના સંબંધમાં તપાસ શરૂ કરી હતી.
કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે, “Xiaomi India દ્વારા કરવામાં આવેલી રોયલ્ટીની ચૂકવણી અમારા ઉત્પાદનોના ભારતીય વર્ઝનમાં ઉપયોગમાં લેવાતી લાયસન્સ પ્રાપ્ત ટેક્નોલોજી અને IP માટે હતી. Xiaomi India માન્ય વ્યાપારી વ્યવસ્થા હેઠળ આ ચુકવણી કરે છે. જો કે, અમે કોઈપણ ગેરસમજ દૂર કરવા માટે અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” Xiaomiએ કહ્યું છે કે કંપનીએ સરકારી અધિકારીઓના આદેશનું પાલન કર્યું છે અને તેમના દ્વારા બેંકને આપવામાં આવેલી વિગતો અને રોયલ્ટીની ચુકવણી સાચી અને માન્ય છે.
EDએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે કંપની પર છેતરપિંડીનો આરોપ છે. અને આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ એક્ટ 1999 હેઠળ કરવામાં આવી છે. EDએ કંપનીના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈનને પણ સમન્સ પાઠવ્યા છે. Xiaomiએ જે 3 કંપનીઓને રોયલ્ટી આપી છે તેમણે કોઈ સેવા લીધી નથી. આ ત્રણ કંપનીઓમાંથી 1 Xiaomi ગ્રૂપની એન્ટિટી છે જ્યારે બાકીની 2 કંપનીઓ યુએસ સ્થિત સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. તેનાથી મની લોન્ડરિંગની આશંકા વધી છે. કંપની પર ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસા દેશની બહાર મોકલવાનો આરોપ છે. આ સિવાય કંપનીએ FEMAનું ઉલ્લંઘન કરીને ભારતમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે.