પરમપવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ વર્ષે સોમવારથી જ શ્રાવણ માસનો પ્રારંભ થયા બાદ આજે શ્રાવણનો બીજો સોમવાર છે. ત્યારે છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ એવા જામનગર શહેરમાં શ્રાવણના બીજા સોમવારે શિવભકતોએ શિવજીની આરાધના કરી ભોળાનાથને રિઝવવા પ્રયાસ કર્યા હતાં જામનગરમાં વહેલીસવારથી જ શિવ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી.
લોકોએ મહાદેવને દૂધાભિષેક તથા જળાભિષેક કરી શ્રાવણી સોમવાર નિમિત્તે મહાદેવની આરાધના કરી રાજીપો અનુભવ્યો હતો. શિવ મંદિરોમાં શિવજીના નયનરમ્ય શ્રૃંગાર દર્શન પણ યોજાયા હતાં. વહેલસવારથી જ શિવ મંદિરો બમ બમ ભોલે તથા હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતાં. જામનગરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, ભીડ ભંજન મહાદેવ, પ્રતાપેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, બેડેશ્વર મહાદેવ, કુબેર ભંડારી મહાદેવ સહિતના અનેક નાના મોટા શિવ મંદિરોમાં ભકતોની ભારે ભીડ જામી હતી.