ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. 18 થી 22 જાન્યુઆરી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. ઓખા તથા સલાયા બંદર પર ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ દરિયાઇ પટ્ટીમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. જેને લઇને માછીમારોએ દરિયાકાંઠા વિસ્તાર છોડીને અન્ય સ્થળે ચાલ્યા જવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરી સુધી 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો માછીમારોએ પણ આગાહીને પગલે દરિયા કાંઠે બોટ લાંગરી દીધી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે તેવી સંભાવનાને પગલે સાગરખેડૂઓને સાવચેત કરવામાં આવ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી માવઠાની પણ આગાહી કરવામાં આવી છે.