વિશ્વભરમાં પ્રતિ વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે, વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતાં પશુ પક્ષીઓના જીવન બચાવ કાર્યને પણ સન્માનિત કરવામાં આવે છે.
આ વર્ષે 30મી એપ્રિલ, 2022 ના રોજ જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં કાર્યરત તમામ પશુ ચિકિત્સકો દ્વારા ઉજવણી કરવામાં આવેલ છે. જે અંતર્ગત વિવિધ સંગોષ્ટી, તાલીમ, રસીકરણ જેવાં વિવિધ પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.
ગુજરાત સરકાર અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ.ના સંયુક્ત ઉપક્રમે 6 ઓકટોબર, 2017 ના રોજ 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા અને 22 જૂન, 2020 ના રોજ દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની સેવાની શરૂઆત કરવામાં આવે છે.
હાલમાં જિલ્લામાં 37 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી કાર્યરત હોય છે અને શહેર અથવા જિલ્લા મુખ્ય મથક ખાતે નિસહાય પશુઓને સેવા પૂરી પાડે છે. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ વિવિધ મેડિકલ સાધનો દ્વારા સુસજ્જ હોય છે.જેમાં નાની-મોટી સર્જરી પણ કરી શકાય છે. જેવી રીતે આકસ્મિક સંજોગોમાં લોકોને 108 એમ્બ્યુલન્સની સેવા મળી રહે છે તેવી જ રીતે પશુઓ માટે પણ આકસ્મિક સંજોગો સર્જાય ત્યારે ઈમરજન્સી સેવા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે નિ:શૂલ્ક 1962 સેવા શરૂ કરી છે.
જેમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ -1962 થકી જામનગર જિલ્લામાં 12,212 અબોલ પશુઓની સારવાર કરવામાં આવેલ છે.જેમાં સૌથી વધારે 7,089 રખડતાં કુતરાઓને સારવાર આપી પીડામાંથી મુક્ત કરેલ છે.
ગુજરાત સરકાર જીવદયા અને કરુણાને વરેલી છે જેનાં પગલે મૂંગા જીવોના જીવન રક્ષણ માટે વ્યાપક કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે.જેના ભાગ રૂપે રાજ્યના પશુ પાલન વિભાગ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ 2022 માં ઉત્તરાયણ સમયે કરૂણા અભિયાન હાથ ધરવામાં આવેલ જેમાં 88 જેટલી એમ્બ્યુલન્સનો સ્ટાફ ખડેપગે કાર્યરત રહેલ અને 9,800 થી પણ વધુ એનિમલ ઈમરજન્સીને પ્રતિસાદ આપેલ છે. દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના તરીકે દરરોજ જુદા-જુદા ગામોમાં નિશ્ર્ચિત સમયે એમ્બ્યુલન્સ જાય છે અને દરેક ગામના પશુ ધનને સારવાર આપે છે. એટલું જ નહીં ઈમરજન્સીના સંજોગોમાં કોઈપણ સ્થળે દોડી જઈ ઈમરજન્સી સેવા પણ આપે છે. જેનાં કારણે અત્યાર સુધી માલધારીઓને પશુઓની સારવાર માટે જે દોડાદોડી કરવી પડતી હતી અને તગડો ખર્ચ કરવો પડતો હતો તેમાથી મુક્તિ મળી છે.
તેમજ ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવાં પાલતુ પ્રાણી જ નહીં પરંતુ શેરીમાં રખડતા કુતરાં કે અન્ય રેઢિયાળ ઢોર તથા વન્ય પ્રાણીઓની પણ આ સેવા દ્વારા સારવાર કરાઇ રહી છે. આ સેવા અંતર્ગત અત્યાર સુધીમાં 1,40,525 એનિમલને ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવેલ છે.તેમજ શિડ્યુલ કેસમાં ગામમાં, વાડીએ જઈને, ખેતરે તેમજ તબેલામાં જઈને 27,97,158 પશુધનને સારવાર આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ સર્વિસમાં 29,37,683 પશુધનને સારવાર આપેલ છે. જેમાં 71,000 જેટલી સર્જરી કરીને અબોલા જીવને નવજીવન આપેલ છે. તેમજ 37,684 પશુઓની સલામત રીતે પ્રસૂતિ કરાવેલ છે.
આ ખાસ આવસર પર જામનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ તેમજ નાયબ પશુપાલન નિયામક એ. સી. વિરાણી તેમજ માવાણી તથા જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થાના સી.ઓ.ઓ. જશવંત પ્રજાપતિ દ્વારા પણ આ દિવસ નિમિતે સ્વસ્થ પશુપાલન માટે નિયમિત જરૂરી પશુ ચિકિત્સા અને અસામાન્ય સ્થિતિમાં પણ પશુઓને 1962 તથા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા નિરંતર સેવા આપતાં જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. તથા ગુજરાત સરકારના તમામ પશુ ચિકિત્સકોને શુભકામનાઓ પાઠવી છે.