જામનગરની જી જી હોસ્પિટલ ખાતે આવેલ પીડિઆટ્રિક વિભાગ તેમજ DEIRC વિભાગ દ્વારા ઓટીઝમ અવેરનેસ મહિનાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
એપ્રિલ મહિનો વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ મહિના તરીકે ઉજવવામાં આવે છે. તેમજ 2 એપ્રિલ વર્લ્ડ ઓટીઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગ રૂપે આજે જી જી હોસ્પિટલના પીડિઆટ્રીક વિભાગ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓટીઝમ બાળકોએ એટલે કે સામાન્ય બાળકો કરતા ઓછી ક્ષમતા ધરાવતાં બાળકો દ્રારા સ્તુતિ, ડાન્સ, દેશભક્તિ જેવા વિષયો પર અભિનય કરવામાં આવ્યુ હતું. અને આ બાળકોનું ફૂલ અને ગીફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન નંદીની દેસાઈ, DEIRC નોડેલ ઓફિસર ભદ્રેશ વ્યાસ, પીડિયાટ્રીક વિભાગના હેડ સ્મિતા શાહ, ડોક્ટર સોનલ શાહ, ફાલ્ગુની પિત્રોડા સહીત પીડિઆટ્રીક અને DEIRC વિભાગનો સ્ટાફ તથા બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નંદીની દેસાઈ દ્વારા સમાજમાં ઓટીઝમ તથા બાળરોગનો સામનો કરી રહેલા બાળકોને જી જી હોસ્પિટલ ખાતે આવેલ DEIRC વિભાગમાં સારવાર લેવા અપીલ પણ કરવામાં આવી હતી.