ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિ., સિંગચ સોલ્ટ વર્કસમાં કામ કરતાં કામદારોના પગાર તથા અન્ય પ્રશ્ર્નો બાબતે જામનગર જિલ્લા મજદૂર સંઘ મારફત કંપની સમક્ષ સને 2019માં ચાર્ટર ઓફ ડિમાન્ડની નોટીસ આપી તા. 1-1-2017થી પગાર વધારાની માગણી કરવામાં આવી હતી. આ માગણી અંગે જે તે વખતે સમાધાન ન થતાં મજૂર અદાલત સમક્ષ ડિમાન્ડ કેઇસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીથી ત્રણ વર્ષ માટે પગાર વધારાની માગણી યુનિયન મારફત મૂકવામાં આવી હતી. જેમાં પણ સમાધાન ન થતાં તે ડિમાન્ડ પણ મજૂર અદાલત સમક્ષ ચાલતી હતી.
દરમિયાનમાં કંપની અને યુનિયન વચ્ચે અવાર-નવાર વાટાઘાટો અને મિટિંગો થઇ હતી. છેલ્લે બંને પક્ષોએ લંબાણપૂર્વકની વાટાઘાટો બાદ સુખદ સમાધાન થયું હતું. આ સમાધાનમાં વર્ષ 2017થી 2019 સુધીના રૂા. 1800 તથા વર્ષ 2020થી માર્ચ-2025 સુધીના રૂા. 5500નો પગાર વધારો થયો હતો. આ સમાધાન થતાં દરેક કામદારોને આશરે રૂા. 2 લાખ જેટલું એરિયર્સ મળ્યું હતું.
સમાધાનમાં કંપની તરફે બી.સી. રાવલ, રજનીશકુમાર જૈન તથા યુનિયન તરફે હસુભાઇ દવે, અરવિંદભાઇ વ્યાસ તથા પંકજભાઇ રાયચુરાએ વાટાઘાટો કરી હતી. આ સમાધાન થતાં સિંગચ સોલ્ટ તથા આજુબાજુના વિસ્તારના કામદારોમાં હર્ષની લાગણી થઇ છે.