ખંભાળિયાના પોરબંદર માર્ગ પર આવેલી લાકડાની એક દુકાનમાં ગત મોડીરાત્રે જોરદાર આગ ભભૂકી ઉઠતાં થોડો સમય નાસભાગ સાથે ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જો કે ફાયર ફાયટર સ્ટાફને સમયસર કાર્યવાહી કરી અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
ખંભાળિયાના મિલન ચાર રસ્તા આગળ આવેલા ટાઉનહોલ સામે કુંભારપાડામાં આવેલી એક આસામી લાકડાની સુથારી કામ અંગેની દુકાનને ગઈકાલે રાત્રિના સાડા દસેક વાગ્યે દુકાન બંધ કરીને દુકાનદાર નિકળ્યા બાદ કોઇ કારણોસર રાત્રે સાડા બારેક વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ અંગે નગરપાલિકાના ફાયર સ્ટાફને જાણ કરવામાં આવતા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના જવાનોએ તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અને બે ફાયર ફાઈટર મારફતે પાણીનો અવિરત રીતે મારો ચલાવી અને સતત બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે દુકાનમાં રહેલો માલસામાન સળગી ગયો હતો.
આમ, મોડી રાત્રીના સમયે લાગેલી આગે થોડો સમય આસપાસના રહીશોમાં ભયનો માહોલ પ્રસરાવી દીધો હતો. જોકે આગ વધુ પ્રસરતા અટકી જતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. આગનું કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી.