ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર જામનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલિયાના અધ્યક્ષસ્થાને કાયદાકીય જાગૃતિ શિબિર આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓના હકોને પ્રોત્સાહન મળે, મહિલાઓ સમાજમાં યોગદાન આપી શકે તે માટે વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2001માં ગુજરાતમાં મહિલા અને બાળ વિભાગનો પ્રારંભ કર્યો હતો તેમજ મહિલાઓ પોતાની તકલીફો જણાવી તેના નિરાકરણ માટે કાયદા અને યોગ્ય માર્ગદર્શન આપનાર લોકો સુધી પહોંચી શકે તે માટે 2005માં ગુજરાતમાં મહિલા આયોગનું નિર્માણ થયું હતું.
મહિલાઓનું આર્થિક-સામાજિક ઉત્થાન કરી સુંદર સમાજ બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓનો શુભારંભ કર્યો હતો. હાલ ગુજરાતમાં મહિલાઓલક્ષી 400 જેટલી યોજનાઓ ચાલે છે તેમજ મહિલાઓને આર્થિક ઉપાર્જન માટે પણ સમયાંતરે આયોગ સરકારને વિસ્તૃત માહિતી આપી યોજનાઓ વિશે ચર્ચા કરે છે. આ સાથે જ ઘરેલુ હિંસા, ભરણપોષણ, મહિલાઓની સુરક્ષા અને તેના પ્રશ્નોના તત્કાલ નિવારણ માટે આયોગ અંતર્ગત 270 જેટલી નારી અદાલતો સંપૂર્ણ ગુજરાતમાં કાર્યરત છે. મહિલાઓ આર્થિક-સામાજિક સક્ષમ બને તો પરિવાર અને સમાજના વિકાસમાં વધુ સારૂં પ્રદાન આપી શકે છે. ગુજરાતમાં આંતરમાળખાકીય સુવિધાઓ તો સુદ્રઢ બની જ છે ત્યારે સામાજિક માળખાના વિકાસ માટે મહિલાઓ સક્ષમ બની પરિવાર અને સમાજનો વિકાસ કરે તે માટે મહિલાઓને કાયદાનું જ્ઞાન મળે તે ખૂબ જરૂરી છે, જે આ શિબિર થકી યથાર્થ બન્યું છે તેમ અધ્યક્ષાએ ઉમેર્યું હતું.
આ તકે મેયર બીનાબેન કોઠારીએ મહિલાઓને જાગૃત બની, સામાજિક દુષણો સામે લડી સમાજ અને દેશના વિકાસમાં પ્રદાન આપવા આહવાન કર્યું હતું. તો પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદીએ કયું હતું કે, નવા ભારતના નિર્માણમાં પ્રધાનમંત્રી મોદીજીએ મહિલાઓને સમાન સાથ, સમાન તક સાથે જોડી છે. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન દીકરીઓને બચાવવા અને ભણાવવા બેટી બચાવો, બેટી પઢાવો: ઝુંબેશ હાથ ધરી હતી. જેના થકી ગુજરાતમાં આજે દીકરીઓ ખુબ આગળ આવી છે. પૂર્વ મંત્રીએ આ શિબિર દ્વારા મહિલાઓ જાગૃત થાય અને અન્ય માટેનો માતૃભાવ કેળવીને દેશના ઉત્થાનમાં પોતાનું યોગદાન આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ શિબિરમાં નારી અદાલત, જામનગરની બહેનો દ્વારા ચેરપર્સન લીલાબેન અંકોલિયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન હર્ષદિપકુમાર સુતરીયા, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મેયર અમીબેન પરીખ, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, ઉપસચિવ હંસાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ અધિકારી ચંદ્રેશ ભાંભી, વિવિધ વોર્ડના કોર્પોરેટરઓ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આયોગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.