ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં છેલ્લા આશરે બે દાયકાથી પાણી વિતરણ વ્યવસ્થા પ્રાપ્ય ન બનતા આખરે આ મુદ્દે સ્થાનિકોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ સહિતના મહત્વના પ્રશ્ને ગઈકાલે અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતે મહિલાઓ- રહીશો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયા શહેરની બગલમાં આવેલી શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારના અને શહેરનો એક ભાગ બની ગયેલા બંગલાવાડી વિસ્તારનું અસ્તિત્વ આશરે બે દાયકા પૂર્વે બન્યું છે. જ્યારેથી બંગલાવાડી વિસ્તારનું નિર્માણ થયું છે, ત્યારથી જ આ વિસ્તારમાં જરૂરી સુવિધાઓ મળી નથી. આ વિસ્તારમાં જરૂરી રોડ- રસ્તા, લાઈટ, ગટર, પાણી વિગેરેની સુવિધાનો અભાવ હજુ પણ છે.
આ બંગલાવાડી વિસ્તારમાં આશરે 1500 જેટલા લોકો રહે છે. પરંતુ છેલ્લા બે દાયકાથી આ વિસ્તારમાં મહત્વની એવી પાણી વિતરણ વ્યવસ્થા સહિતની સુવિધા હજુ સુધી તંત્ર પૂરી પાડી શકયું નથી. ખાસ કરીને પીવાના પાણીના મુદ્દે અગાઉ પણ લેખિત રજૂઆતો તથા ફરિયાદો કરવામાં આવી હતી. પરંતુ તંત્રના બહેરા કાને રજૂઆતો હજુ સુધી પહોંચી નથી.
પાણી મુદ્દે કંટાળેલા સ્થાનિક રહીશો- મહિલાઓએ ગઇકાલે બુધવારે અહીંની કલેકટર કચેરીએ પહોંચી, અને જિલ્લા કલેકટરને સંબોધીને એક લેખિત આવેદનપત્ર આપ્યું હતું. એટલું જ નહીં, નિયમિત પાણી ન મળતા મહિલાઓએ જિલ્લા સેવા સદન પરિસરમાં માટલા ફોડી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આમ, બંગલાવાળી શ્રીજી પાર્ક વિસ્તારના આ રહીશો પોતે જાણે અન્ય પછાત દેશમાં વસતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની ગ્રાન્ટનો સદઉપયોગ થતો ન હોવાનો પણ આક્ષેપ આ આવેદન પત્રમાં કરવામાં આવ્યો છે.