જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં આજે પાડોશીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજતા પોલીસે હત્યાની દિશામાં તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરનાં પ્રદર્શન મેદાનમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે કોઇ કારણસર માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટમાં સામસામા હુમલા કરવામાં આવતા અનિતાબેન અનિલ ગોહિલ (ઉ.વ.40) નામના મહિલાને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મહિલાનું મોત નિપજ્યું હતું. દરમિયાન બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો જ્યાં તપાસ હાથ ધરી હતી. તેમજ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યાનો છે કે કેમ? તે અંગેની તપાસ હાથ ધરી ગુનો નોંધવા તજવીજ આરંભી હતી.