જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ નજીક જૂનાગઢની લીલી પરિક્રમામાં જતાં સમયે રીક્ષાચાલકે પૂરપાટ ચલાવતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી રોડ પરથી ઉતરીને પલ્ટી ખાઈ જતાં રીક્ષામાં સવાર મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય છ મહિલાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામમાં રહેતાં મીનાબા મંગળસિંહ જાડેજા સહિતના છથી સાત જેટલા મહિલાઓ ગત તા.10 ના રોજ સવારના સમયે તેના ગામથી જૂનાગઢ લીલી પરિક્રમામાં હાજરી આપવા જીજે-10-ઈઝેડ-1806 નંબરની રીક્ષામાં સોયલથી ધ્રોલ જતા હતાં તે દરમિયાન વાંકીયા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે પૂરપાટ ચલાવી રહેલા રીક્ષાચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડ પરથી નીચે ઉતરી જઇ અને પલ્ટી ખાઈ ગઇ હતી. આ અકસ્માતમાં સાત જેટલા મહિલાઓને ઈજા પી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પૂર્ણાબા જયવીરસિંહ જાડેજા (ઉ.વ.46) નામના મહિલાને માથામાં ગંભીર ઈજા પહોંચતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગેની મીનાબા દ્વારા જાણ કરાતા હેકો કે.એસ. દલસાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી રીક્ષાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.