દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જૂની પાંજરાપોળ ખાતે રહેતાં મહિલા તેણીના ઘરે ચૂલા પર ચા બનાવતા હતાં તે દરમિયાન આગની ઝાળ દુપટ્ટામાં અડી જતાં દાઝી જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ભાણવડ તાલુકાના ભરતપુર ગામના વાડી વિસ્તારમાં રીપેરીંગ કામ કરતા સમયે યુવાનને વીજશોક લાગતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી જૂની પાંજરાપોળ નજીક રહેતા નીતાબેન ધીરજલાલ ભોગાયતા નામના 30 વર્ષની મહિલા ગત તા.26 માર્ચના રોજ પોતાના ઘરે ચૂલા પર ચા બનાવી રહ્યા હતા. ત્યારે એકાએક તેણીએ પહેરેલા દુપટ્ટામાં ચુલાની જાળ લાગતા આના કારણે આખા શરીરને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં નીતાબેનને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ જીગ્નેશભાઈ ધીરજલાલ ભોગાયતા એ પોલીસને કરી છે.
બીજો બનાવ, ભાણવડ નજીકના ભરતપુર ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે રવિવારે સવારના સમયે ફતેપુર ગામે રહેતા હિતેશભાઈ ભીખાભાઈ ભારવાડીયા નામના 25 વર્ષના વીજ કંપનીના ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ વીજ પ્રવાહ અંગેનું રીપેરીંગ કામ કરી રહ્યા હતા, તે દરમિયાન કોઈ કારણોસર વીજ પ્રવાહ પુન: ચાલુ થઈ તથા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૂળ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વતની અને હાલ ભાણવડ તાલુકામાં રહેતા જીગ્નેશભાઈ કોડરભાઈ અસારીએ ભાણવડ પોલીસને કરી છે.