જામનગર શહેરમાં પોલીસ હેડ કવાર્ટરની બાજુના વિસ્તારમાં રહેતાં મહિલાએ વ્યાજે લીધેલા રૂપિયા ભરવા માટે બીજેથી વ્યાજે લીધેલી રકમની ચિંતામાં એસિડ પી લેતાં સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરની બાજુમાં મારૂતિનગર, તંબોલી ભવન પાછળ રહેતાં મીનાબા ભીખુભા જાડેજા નામના મહિલાએ પહેલાં ફાઇનાન્સમાંથી એક વર્ષ પૂર્વે રૂા. 63 હજાર લીધાં હતાં. જે લોન ભરવા માટે મારૂતિનગરમાં કરિયાણાવાળા અશોકસિંહ પાસેથી રૂા. 10 હજારની બે વખત લોન, એમ કુલ રૂપિયા 20 હજાર લોન પેટે લીધાં હતાં. આ લીધેલ લોનના હપ્તા સમયસર નહીં ભરી શકવાને કારણે માનસિક તાણમાં રહેતાં હતાં. આ માનસિક તાણને કારણે મીનાબાએ તા. 29ના રોજ ઘરે એસિડ પી લેતાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ટ્રોમા સેન્ટરમાં તેઓનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગે મૃતકના પુત્ર ધર્મેન્દ્રસિંહ દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘સી’ પોલીસ ડિવિઝનના પીએસઆઇ ડી. કે. ગોહિલ તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


