જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં આવેલા ખેતરના કૂવામાં અકસ્માતે પડી જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતાં આધેડનું છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં રહેતાં યુવાનને છાતીમાં દુ:ખાવો ઉપડતા રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના વાલાસણ ગામમાં રહેતા અને મજુરીકામ કરતા યોગીશાબેન ભુપતભાઈ કરમટા (ઉ.વ.35) નામના મહિલા સોમવાર સવારના સમયે ધ્રાફા ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાંથી પાણી ભરવા જતાં સમયે અકસ્માતે પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા સ્થાનિક લોકોએ મૃતદેહ બહાર કાઢયો હતો. મૃતકના પતિ ભૂપતભાઈ દ્વારા જાણ કરાતા યુએચસી એસ.એસ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતા પ્રવિણભાઈ નારણભાઈ કાછડિયા (ઉ.વ.50) નામના આધેડ રવિવારની રાત્રિના સમયે તેના ઘરે લઘુશંકા કરવા માટે જતા હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેશુધ્ધ થઈ જવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની વલ્લભભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા ધર્મેશ રામજીભાઈ પાદરિયા (ઉ.વ.37) નામના યુવાનને સોમવારે સવારના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો ઉપડતા પ્રથમ પડધરીની અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ પરેશ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.