જામનગર શહેરમાં લાલવાડી માર્કેટીંગ યાર્ડ પાસે આવેલા સરકારી આવાસમાં રહેતાં મહિલાને તેણીના ઘરે શ્ર્વાસ લેવામાં તકલીફ થતા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસેના પટેલ નગરમાં રહેતાં પ્રૌઢને કેન્સરની બીમારી સબબ તબિયત લથડતા બેશુદ્ધ હાલતમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર શહેરમાં લાલવાડી વિસ્તારમાં માર્કેટીંગ યાર્ડ નજીક નવા સરકારી આવાસમાં રહેતાં ભાવનાબેન રસિકભાઇ વાઘેલા (ઉ.વ.43) નામના મહિલા ગત રાત્રિના સમયે એકાએક શ્ર્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કરતા આ અંગેની જાણ સુરેશભાઈ દ્વારા કરવામાં આવતા હેકો એસ. એસ. દાતણિયા સહિતનો પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાસે આવેલા પટેલનગરમાં રહેતાં સફાઈ કામદાર જયંતીભાઈ સામજીભાઈ પરમાર (ઉ.વ.55) નામના પ્રૌઢને પેટનું કેન્સર થયું હતું. દરમિયાનું બુધવારે રાત્રિના સમયે તેના ઘરે બેશુદ્ધ થઈ પડી જતાં સારવાર માટે જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર સચિન દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.