જામનગર શહેર નજીક આવેલી નુરી ચોકડી પાસેથી પસાર થતા બાઈકમાં પાછળ બેસેલા મહિલાનું સ્પીડબ્રેકર આવતા પડી જવાથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલી હનુમાન મંદિરવાળી શેરીમાં રહેતાં નિર્મળાબેન ગીરધરભાઈ પરમાર (ઉ.વ.46) નામના મહિલા ગત તા.22 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે જામનગર નજીક આવેલી નુરી ચોકડી પાસેથી બાઈક પર પાછળ બેસીને જતા હતાં તે દરમિયાન સ્પિડબ્રેકર આવતા ચાલુ બાઈકે નીચે પટકાતા શરીરે અને માથામાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાને જી. જી. હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર પ્રદિપ પરમાર દ્વારા જાણ કરાતા હેકો જી.વી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.