કાલાવડ-જામનગર ધોરીમાર્ગ પર નાની વાવડી ગામના જૂના માર્ગ પરથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહનચાલકે આશરે 50 વર્ષના મહિલાને ઠોકરે ચડાવતા ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાહનની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ-જામનગર ધોરીમાર્ગ પર નાની વાવડી ગામના જૂના રસ્તા પરથી ગત તા.4 ડિસેમ્બરના રોજ સવારના સમયે પુરઝડપે-બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહનચાલકે માર્ગ પર પસાર થતા આશરે 50 વર્ષના મહિલાને ઠોકરે ચડાવ્યા હતાં. અકસ્માતમાં મહિલાને કપાળમાં અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ વાહનચાલક નાશી ગયો હતો અને ઘવાયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ગુરૂવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ વાય.આર.જોશી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી મૃતક મહિલાની ઓળખ મેળવવા અને અકસ્માતને અંજામ આપનાર અજાણ્યા વાહનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.