જામનગર શહેરના બેડીના થરી વિસ્તારમાં રહેતી મહિલાને તેણીના પતિ સાથે દિકરાના કામ બાબતે થયેલી બોલાચાલીનું લાગી આવતા સાડી વડે બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતાં યુવકે અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના બેડીના થરી વિસ્તારમાં રેલવેના પાટા પાસે રહેતાં રૂકસાનાબેન હુશેન ઈબ્રાહિમ સોઢા (ઉ.વ.35) નામના મહિલાને તેણીના પતિ હુશેન સાથે દિકરાના કામ બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મનમાં લાગી આવતા રૂકસાનાબેને શુક્રવારે સાંજના સમયે તેના ઘરે બાથરૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની ઝાખરભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.ડી. ઝાલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલી ન્યુ પડાણા રેસીડેન્સીમાં બ્લોક નં.4 માં રહેતાં ભાવેશભાઇ મનસુખભાઇ ચુડાસમા (ઉ.વ.23) નામના યુવાને ગત તા.28 ડિસેમ્બર 2023 ના રોજ અગમ્યકારણોસર પોતાના રહેણાંક મકાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણે ઝેરી દવાને કારણે ઉલટીઉબકા થતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મનસુખભાઈ ચુડાસમા દ્વારા જાણ કરાતા મેઘપર (પડાણા)ના હેકો આઈ.ડી. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.