જામનગર શહેરના શંકરટેકરી પાણીના ટાંકા પાસેના વિસ્તારમાં રહેતા મહિલાએ તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના ગુલાબનગર બસ સ્ટેન્ડ પાસેથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી પાણીના ટાંકા પાસે આવેલા વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરતા ઝાંઝીબેન કરશનભાઈ ડાંગર (ઉ.વ.35) નામના મહિલાનું મગજ કંઇ કામ કરતું ન હતું. તેથી ગત તા.15 ના સાંજના સમયે મહિલાએ તેણીના ઘરમાં પ્લાસ્ટિકની બોટલમાંથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું રવિવારે બપોરના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ કરશનભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.ડી.વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં ગુલાબનગર બસ સ્ટેન્ડ પાસે આશરે 65 વર્ષનો ભિક્ષુક જેવા વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવતા હિતેશગીરી ગોસાઈ દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ વૃદ્ધનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે વૃદ્ધના મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી અને મજબુત પાતળા બાંધાના 5 ફૂટ 4 ઈંચ ઉંચાઈ ધરાવતા સફેદ કલરનું મેલુ શર્ટ પહેરેલ વૃધ્ધ અંગે કોઇને જાણકારી મળે તો પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.