જામનગર શહેર નજીક જૂના નાગના ગામમાં કપડા ચોરી જવા બાબતની શંકા રાખી મહિલા સહિત ત્રણ શખ્સોએ મહિલા ઉપર લોખંડના પાઈપ અને છુટા પથ્થર મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે બે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક આવેલા જૂના નાગના ગામમાં રહેતાં સવિતાબેન છગનભાઇ કણઝારિયા નામના મહિલાના બાજુમાં રહેતાં બાબુ ભુડની અગાસીની દિવાલ કોઇ તોડી નાખતું હોય અને પાણીના ટાંકામાં કચરો નાખવા તથા અગાસીમાં સુકવેલા કપડાં ચોરી જવાની મહિલાના પતિ છગનભાઇ ઉપર શંકા કરી બુધવારે સાંજના સમયે બાબુ ભુડ, આશાબેન બાબુ ભુડ, સોનલબેન બાબુ ભુડ નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી સવિતાબેને અપશબ્દો બોલવાની ના પાડતા લોખંડના પાઈપ વડે બાબુ અને આશાબેન પર હુમલો કર્યો હતો તેમજ સોનલબેને છૂટા પથ્થરના ઘા મારી કપાળમાં ઈજા પહોંચાડી હતી. આમ બે મહિલા સહિતના ત્રણ શખસોએ મહિલાના પતિ ઉપર ચોરીની આશંકાએ હુમલો કર્યાની સવિતાબેનની ફરિયાદ નોંધી હેકો કે.કે.ગઢવી એ વધુ તપાસ હાથ ધરી હતી.