જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં માટી અમારા ઘર પાસે પાણી ભરાઇ જાય છે તેથી નાખી છે. આ માટે લઇ ન જતાં તેમ જણાવતાં મહિલા ઉપર પાંચ મહિલાઓએ એકસંપ કરી તગારા તથા ઢીકાપાટુનો માર મારી, ગાળો કાઢી, ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ શહેરના બેડેશ્વર વિસ્તારમાં એકડે એક બાપુની દરગાહ પાસે રહેતા અમીનાબેન અકબરભાઇ ઓંધિયા (ઉ.વ.38) નામના મહિલાના પાડોશી શરીફાબેનએ સાઇદાબેનને અમીનાબેનના ઘર પાસેની માટી લઇ જવાનું કહ્યું હતું. જેથી સાઇદાબેન, શાયરાબેન તથા હુરબાઇ નામની ત્રણ મહિલા માટી ભરવા ગયા ત્યારે અમીનાબેનએ, “અમારા ઘર પાસે પાણી ભરાઇ જાય છે. એટલે માટી નાંખી છે. તમે આ માટી ન લઇ જાવ.” તેમ જણાવતા ઉશ્કેરાયેલા સાઇદાબેન, શાયરાબેન, હુરબાઇ, ગુલશનબેન તથા શેરબાનુબેન નામના પાંચ મહિલાઓએ એકસંપ કરી અમીનાબેનના ઘર પાસે આવી પતરાંના તગારા વડે માથામાં ઇજા પહોંચાડી હતી. અન્ય મહિલાઓએ મુઢ માર મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ મહિલાઓએ જતા જતાં અમીનાબેનને કહ્યું કે, “તું શાયરાબેન સાથે બોલાચાલી કરીશ તો મારી નાખીશું.” તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણના આધારે પીએસઆઇ એસ. જી. કેશવાલા તથા સ્ટાફએ પાંચ મહિલા વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


