ઓલમ્પિકમાં મેડલ જીતવું દરેક ખેલાડીનું સપનું હોય છે, પરંતુ અમુક ખેલાડીનું જ સપનું સાકાર થાય છે. ટોક્યો ઓલમ્પિક 2020માં પણ ઘણા ખેલાડીઓએ પોતાનું સપનું સાકાર કર્યું. પોલેન્ડની જૈવલીન થ્રોઅર મારિયા આન્ડ્રેજક પણ તેમાંથી એક છે.
કેન્સરમાંથી સ્વસ્થ થયા પછી, 25 વર્ષની મારિયા આન્ડ્રેજકે ટોક્યો ઓલિમ્પિકની જેવેલિન થ્રો ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. પરંતુ થોડા દિવસોની અંદર જ તેણીએ પોતાના મેડલની હરાજી કરી દીધી.બીમારીથી પીડાઈ રહેલ એક બાળકના ઈલાજ માટે રકમ ભેગી કરવા તેણીએ ઓલમ્પિક મેડલની ઓનલાઇન હરાજી કરી. અને જે રકમ મળી તેનો ઉપયોગ મીલોશ્ક મલીસા નામના 8 મહિનાના બાળકના ઈલાજ માટે કર્યો.
મીલોશ્કને હૃદયની બીમારી છે અને તેનો ઈલાજ અમેરિકાની એક હોસ્પિટલમાં થઇ શકે છે, આ બાળકના ઈલાજ માટે 2.86 કરોડ રૂપિયાની જરૂર હોવાથી ફંડ ઉઘરાવવામાં આવી રહ્યું હતું. આ વાતની ખબર મારિયાને પડી તો તેણીએ મેડલ વહેચીને બાળકની મદદ કરવાનો નિર્ણય લીધો. અને પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે તેણી પોતાના સિલ્વર મેડલની હરાજી કરવા માંગે છે.
આ મેડલની ઓનલાઈન 92લાખ 85હજાર રૂપિયા કિંમત આંકવામાં આવી અને મારિયાએ મેડલ દાન કર્યું. તેણીએ કહ્યું કે મેડલ એક માત્ર વસ્તુ છે. પણ આ બીજા લોકો માટે ખુબ મહત્વનું સાબિત થઇ શકે છે. આ સિલ્વર મેડલને એક જગ્યાએ રાખી મુકવાની જગ્યાએ જો તેનો ઉપયોગ કરીને કોઈનો જીવ બચી શકતો હોય તો તેની હરાજી કરી દેવી સારી. પરંતુ જે કંપનીએ આ મેડલ લીધો હતો તેણે મારિયાને રકમ આપી અને સાથે મેડલ પણ પરત કરી દીધો.