કાલાવડ તાલુકાના રણુજા ગામ નજીક આવેલા પેટ્રોલપંપ પર રાત્રીના 30 મિનિટના સમય દરમિયાન આવેલા એક જામનગર પાસીંગના બાઈકસવારે પેટ્રોલપંપની ઓફિસની બારીના કાચ ખોલી બારીમાંથી અંદર પ્રવેશી ટેબલના ખાનામાંથી રોકડની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, કાલાવડથી સાત કિલોમીટર દૂર રણુજા ગામ નજીક આવેલા સમર્પણ પેટ્રોલ પંપમાં ગુરૂવારે રાત્રિના 3:15 થી 3:45 સુધીના સમય દરમિયાન જીજે-10-સીડી-3799 નંબરના બાઈક પર આવેલા આશરે 25 વર્ષના શખસને પેટ્રોલ પંપ પર આવી ઓફિસની બારીનો કાચ ખોલી અંદર પ્રવેશી ટેબલના ખાનામાં રાખેલી રૂા.30400 ની રોકડ રકમની ચોરી કરી નાશી ગયો હતો. ત્યારબાદ આ અંગેની જાણ થતા પેટ્રોલપંપ મેનેજર ચેતન ચીખલિયા નામના યુવાને પોલીસમાં જાણ કરતા પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજોના આધારે બાઈક નંબરના ચાલક વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.