કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં પીજીવીસીએલ કંપનીના ચાલુ વિજવાયરની થયેલી ચોરીના બનાવમાં પોલીસે તરૂણ સહિત 5 શખસોની ધરપકડ કરીને બે લાખનો મુદામાલ કબ્જે કરી એક શખસનું નામ ખુલતાં તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના શીશાંગ ગામની સીમમાં આર. કે.ઈન્ડસ્ટ્રીયલ ઝોન પાસેથી પાતા મેઘપર ફીડરની ચાલુ વિજલાઈનમાંથી આશરે 3300 મીટર રૂા.47,200ની કિંમતની કોઈ અજાણ્યા શખસો ગત તા.11ના રોજ ચોરીની નોંધાયેલી ફરિયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પીએસઆઇ એચ.વી. પટેલ તથા સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે અમરેલીના બાબરા ગામેથી કાદીર વલીભાઈ પઠાણને ઝડપી લઇ અદાલતમાં રજૂ કરી રીમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરતાં જસદણના વનરાજ ધાંધલને વેંચ્યો હોવાનું જણાવતાં પોલીસે તેને પણ ઝડપી લીધો હતો. બન્ને શખસોના કબ્જામાંથી ચોરાઉ વીજવાયરના 31 (ફિંડલા) રૂા.47,200ની કિંમતના તેમજ ચોરીમાં ઉપયોગમાં લીધેલ રૂા.1.50 લાખની ગાડી સહિતના મુદામાલ સાથે રૂા.1,97,200નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ બન્ને શખસો ઉપરાંત રાહુલકુમાર લક્ષ્મણભાઈ ડામોર, સુરેશ લાલસીંગભાઈ વાઘેલા અને એક તરૂણ મળીને કુલ 5 શખસોને ઝડપી લીધા હતાં અને ચાર શખસોને કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરાયા છે. જ્યારે તરૂણને બાળ સુધારગૃહમાં મોકલી દીધો છે. જ્યારે એજાજ કાદરભાઈ સૈયદ (રે.અમરેલીના બાબરા)ને ફરાર જાહેર કરીને શોધખોળ આરંભી છે.