જામનગરમાં શિયાળાની જમાવત થતી જોવા મળી રહી છે. જામનગર શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચી જતાં શહેરીજનોએ મોડી રાત્રે વહેલી સવારે ટાઢકનો અહેસાસ કર્યો હતો. જોકે, મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રી આજુબાજુ રહેતાં બપોરના સમયે ગરમી જોવા મળી રહી છે.
કલેકટર કચેરી જામનગરના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 14 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 59 ટકા નોંધાયું હતું. જામનગર શહેર જિલ્લામાં છેલ્લાં એક અઠવાડિયાથી લઘુતમ તાપમાનમાં વધ-ઘટ થતી જોવા મળી રહી છે. લઘુતમ તાપમાન 14 ડિગ્રીએ પહોંચી ગયું છે. છેલ્લાં પાંચ દિવસમાં લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રીનું ઘટાડો નોંધાયો છે. જેના કારણે શહેરીજનો ફુલગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ઠંડીના કારણે લોકોને એસી પંખા બંધ કરવાની તથા ગરમ વસ્ત્રોનો સહારો લેવાની ફરજ પડી છે.
જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડી સાથે સુસવાટા મારતા પવનને કારણે વાતાવરણમાં ટાઢોડું જોવા મળ્યું છે. વહેલી સવારે વ્યવસાય અર્થે જતાં લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.