છોટીકાશી તરીકે પ્રખ્યાત એવા જામનગરમાં ગણેશચતુર્થીના દિવસે દર વર્ષે મોદક સ્પર્ધા યોજાઈ છે અને આ વર્ષે પણ ગણેશચતુર્થીના દિવસે જામનગર બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે ગણેશચતુર્થીના પાવન દિવસે ઘરે ઘરે બાપ્પાનું આગમન થઈ રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે બાપ્પાની પધરામણી કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ગણપતિજીને પ્રિય એવા મોદક (લાડુ) આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ઓપન મોદક આરોગવાની સ્પર્ધાનું સતત 16માં વર્ષે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 49 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં પુરૂષોમાં 33, બાળકોમાં 10 અને મહિલાઓમાં 6 સ્પર્ધકો જોડાયા હતાં. 100 ગ્રામ ચોખ્ખા ઘી ના લાડુ ની સાથે દાળ પીરસવામાં આવી હતી. આ સ્પર્ધાના અંતે પુરૂષોમાં શામજીભાઈ મકવાણા 12 લાડુ ખાઈને પ્રથમ સ્થાને વિજેતા રહ્યાં હતાં. જ્યારે મહિલાઓને સતત ચોથી વખત પદ્મીનીબેન ગજેરા 9 લાડુ ખાઈને વિજેતા રહ્યાં હતાં. તેમજ બાળકોના વિભાગમાં 11 વર્ષના આરુષે પાંચ લાડુ ખાઈ પ્રથમ સ્થાને રહ્યો હતો. સ્પર્ધામાં વિજેતાઓને આયોજકો તથા સ્પર્ધકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં અને 16 વર્ષથી યોજાતી આ સ્પર્ધાએ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો છે.