જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતા અને ખેતમજૂરી કરતા પરિવારની તરૂણી પુત્રીને તેના જ ગામમાં રહેતો શખ્સ ભગાડીને અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સીક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના આમરા ગામમાં પાણીના ટાંકા પાસે સુરેશભાઈ મઘોડીયા નામના ખેતમજૂરી કરતો યુવાન તેની ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે રહેતો હતો અને સુરેશભાઇ ગત તા.31 જાન્યુઆરીના રોજ સાંજના સમયે તેના ઘરે હતો તે દરમિયાન 17 વર્ષની તરૂણી પુત્રી નીચે જવાનું કહીને ગઈ હતી. ત્યારબાદથી લાપતા થઇ હતી. પુત્રી લાપતા થવાથી પિતા સુરેશભાઈ અને તેમની પત્ની તથા અન્ય સંતાનો સહિતના પરિવારજનોએ તરૂણીની શોધખોળ કરી હતી. પરંતુ, તરૂણનો કોઇ પતો લાગ્યો ન હતો. તરૂણી પુત્રીને તેના જ ગામમાં રહેતાં અમૃતભાઈ કટેશિયાના પુત્ર પ્રહલાદ નામનો શખ્સ લલચાવી ફોસલાવી ને બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયો હોવાની શંકાના આધારે પોલીસમાં જાણ કરી હતી. જેથી પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે તરૂણીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ગંભીર બાબત એ છે કે, અપહરણ થનાર તરૂણીના પિતાએ તેની પુત્રીને મારી નાખવાની શંકા પણ વ્યકત કરી હતી અને આરોપીનો ભય સતાવતો હતો. તેમજ પોલીસમાં એવું પણ જણાવ્યું હતું કે, જો આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારે હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ છે.