ત્રણ દિવસના મીની વેકેશન બાદ મંગળવાર તા.1 એપ્રિલના ભારતીય બજાર માટે ફરી એકવાર અમંગળ સાબિત થવાની સંભાવનાઓ ખૂબ જ બળવતર બની ગઇ છે. શુક્રવારે અમેરિકન બજારમાં બોલી ગયેલા કડાકા અને આજે સોમવારે તેની વિશ્વના અન્ય બજારો પર થયેલી નેગેેટિવ અસર સાથે અમેરિકી બજાર વધુ ઘટાડાના સંકેતો આપી રહ્યું છે. તેવા સંજોગોમાં વિદેશી ટે્રડરો દ્વારા ટ્રેડ થતી ગિફટ નિફટી 240 થી વધુ પોઇન્ટનો ઘટાડો દર્શાવી રહી છે. પરિણામે મંગળવારે ભારતીય શેરબજાર મોટા ગેપડાઉન સાથે ખુલવાની સંભાવના જોવાઈ રહી છે. જેને કારણે છેલ્લાં એક સપ્તાહની તેજી દરમિયાન બજારમાં નવેસરથી પ્રવેશેલા રોકાણકારોમાં ફરીથી ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

વૈશ્વિક સ્તરે, બધાની નજર એપ્રિલના બીજા દિવસે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુએસ અર્થતંત્રને ટેકો આપવા માટે ટેરિફના આગામી બેચની જાહેરાત કરવામાં આવશે તેના પર રહેશે. નિષ્ણાતોના મતે, જો ટેરિફ આક્રમક રહેશે, તો વૈશ્વિક વેપાર યુદ્ધમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જે વૈશ્વિક વિકાસને નુકસાન પહોંચાડી શકે છે અને યુએસ અર્થતંત્રમાં કેટલીક મંદીની શક્યતા નકારી શકાતી નથી.
અમેરિકામાં મોંઘવારી અને બેરોજગારીના આંકડાઓ હજુપણ ત્યાંની ફેડરલ રિઝર્વ માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. જેને કારણે અમેરિકામાં વ્યાજદર ઘટાડાની સંભાવનાઓ ફરી ધુંધળી બની છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યા હોય, તેની વિપરીત અસર અમેરિકન બજાર પર પડી રહી છે. આ કારણે જ શુક્રવારે અમેરિકન બજાર તુટયું હતું. તેની સાથે સાથે યુરોપ અને એશિયન બજારોમાં પણ એક થી ત્રણ ટકા સુધીના કડાકા બોલી ગયા છે. ભારતીય બજાર ઇદની રજાને કારણે સોમવારે બંધ હોય આ કડાકાની અસર મંગળવારે જોવા મળશે. ગત સપ્તાહમાં ભારતીય બજારમાં પોઝિટીવ બનેલા એફઆઈઆઈના ખરીદીના આંકડા છેલ્લાં બે સેશનમાં ફરીથી નેગેટિવ થયા છે જે તેજીને લઇને શંકા ઉપજાવનારા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિફટીમાં હાલનો ઘટાડો છેલ્લાં એક સપ્તાહમાં થયેલા 1900 પોઇન્ટના વધારાનું કરેકશન હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. હાલ 23,350, 23,125, 22,800 નિફટીના મહત્વના સપોર્ટ લેવલ માનવામાં આવે છે. તેમાં પણ 22,800 ખૂબ જ મજબુત સપોર્ટ લેવલ છે તેની નીચે જ બંધ આવતા ફરીથી બજાર મંદી તરફ સરકી શકે છે. અન્યથા ભારતીય બજારમાં બાય ઓન ડીપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકાય તેમ હોવાનું બજાર નિષ્ણાંતો જણાવે છે.
ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.