ભારતના 5 રાજ્યો, ઉત્તરપ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને બિહારની સરકારોએ પહેલી મેથી 18થી 45 વર્ષની વયના તમામ નાગરિકોને કોરોના સામેની રસી વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી છે, ત્યારે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં કોરોના સામેની રસી લીધી તે સમયે જણાવ્યું કે હજુ ગુજરાત સરકારે આ અંગે નિર્ણય કર્યો નથી. ગુજરાત સરકાર આ અંગે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇને જાહેરાત કરશે તેમ વિજય રૂપાણીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તે સંદર્ભે ગુજરાત સરકાર પણ 18થી 45 વર્ષની વયજૂથના નાગરિકોને રસી આપવા માટે આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે. જોકે તેમણે વિનામૂલ્યે રસી આપવા અંગે કોઇ સ્પષ્ટ ફોડ પાડ્યો ન હતો.
ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે, તમામને રસીકરણ માટે અંદાજે છથી નવ મહિના જેટલો સમય લાગી શકે છે. આ માટે નાગરિકોનો ઉત્સાહ ઉપરાંત રસી માટેના ડોઝની ઉપલબ્ધતા પણ ખાસ ધ્યાને લેવાની રહેશે હાલ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની સૂચના અનુસાર 45 કે તેથી વધુ વયના તમામ નાગરિકોને વિનામૂલ્યે સરકારી સુવિધા પર રસી આપી રહી છે. જ્યારે ખાનગી સુવિધા દ્વારા અપાનારી રસીનું મૂલ્ય 250 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કરાયું છે.
ગુજરાતમાં હાલ નાગરિકોને સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવાયેલી કોવિશિલ્ડ રસી આપવામાં આવે છે અને તે જ રસીનો ડોઝ વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સેક્ટર 8માં બનાવાયેલાં અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી લીધો હતો. આ પૂર્વે આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર 45 વર્ષ કે તેથી વધુ વયના લોકોએ આ દસ દિવસમાં મહત્તમ રસી લઇ લેવી જોઇએ, જેથી પહેલી મે બાદ વધુ લોકો રસીકરણ માટે આવે ત્યારે કેન્દ્ર પર ભીડ ન થાય.
હાલ ગુજરાતમાં કુલ 1.07 કરોડ રસીના ડોઝ અપાઇ ચૂક્યા છે, જેમાં 90.93 લાખ લોકોને પ્રથમ ડોઝનું તો 16.14 લાખ લોકોને બીજા ડોઝનું રસીકરણ થઇ ચૂક્યું છે. બુધવારે 1.19 લાખ નાગરિકોએ રસી લીધી હતી. જો કે હાલમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે તેવાં સંજોગોમાં જ લોકો રસીકરણ સામે નબળો પ્રતિસાદ દર્શાવી રહ્યાં છે. ગુજરાતમાં સૌથી વધુ રસીકરણ 3 એપ્રિલે 4.84 લાખનું નોંધાયું હતું.