ગુજરાતના પૂર્વ ડીજીપી શબ્બિર હૂસેન શેખાદમ ખંડવાવાલાને ભારતીય ક્રિકેટ બોર્ડને એન્ટીકરપ્શન બ્રાંચનાવડા બનાવવામાં આવ્યા છે. તેઓ કહે છે ક્રિકેટના જૂગારને કાયદેસર બનાવવો યોગ્ય નથી. કારણ કે,ક્રિકેટનો જુગાર મેચ ફિકસીંગ માટેના મહત્વના કારણોમાનું એક છે. આ જુગારથી મેચ ફિકસીંગને પ્રોત્સાહન મળે છે. 70 વર્ષના ખંડવાવાલા કહે છે, આપણે નિયમો વધુ સખ્ત બનાવી શકીએ. આ દિશામાં અમે કામ કરીશું. ભારતીય ક્રિકેટને મોટે ભાગે કરપ્શન ફ્રી બનાવી શકાયું છે. તેની ક્રેડિટ બીસીસીઆઇના ફાળે જાય છે.
અત્રે નોંધનીય છે કે, ખંડવાવાલાની પહેલાં અજીતસિંઘ આ બ્રાંચનાવડા હતા. તેઓ એમ માનતા હતાં કે, ક્રિકેટના જુગારના કાયદેસર બનાવવો જોઇએ. અત્રે એ પણ નોંધનીય છે કે, ક્રિકેટ બોર્ડના અગાઉના વડા અને હાલના નાણાંવિભાગના કેન્દ્રીય રાજયમંત્રી અનુરાગ ઠાકૂર પણ ક્રિકેટના જુગારને કાયદેસરતા આપવાના મતના હતા.
જે લોકો સ્ટેડિયમમાં મેચ જોવા જાય છે અથવા ટીવીમાં મેચ નિહાળે છે તે પૈકી મોટા ભાગના લોકો એવું માને છે કે, મેચ ફિકસીંગ થતું નથી. લોકોની આ માન્યતાને રક્ષણ મળવું જોઇએ. એવું ખંડવાવાલા માને છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત વિશ્ર્વના દેશોમાં મેચ ફિકસીંગ ક્રિકેટ પર જાણીતું કલંક છે અને દેશભરમાં ક્રિકેટ પર અબજો રૂપિયાનો સટ્ટો રમાતો રહે છે. મોટાભાગના કિસ્સાઓમાં ઝડપાઇ જતાં આરોપીઓ એકદમ પરચૂરણ કક્ષાના હોય છે.
આગામી દિવસોમાં કાર્યદક્ષ અને પ્રમાણીક અમલદારની છાપ ધરાવતાં ખંડવાવાલા ક્રિકેટને કલંકોથી સુરક્ષિત રાખે એવી અપેક્ષા સૌ કોઇ રાખી રહ્યા છે.