દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડી ગામ ના સેજલ બેને રક્તદાન કેમ્પ યોજી એક સુંદર સંદેશ આપ્યો છે કે પતિના અચાનક અવસાન પછી સ્ત્રીઓએ ભાંગી જઈને કમજોર બનવાને બદલે આવનારી જિંદગીના મોરચા સામે ઝઝૂમીને જાતને હિંમતપૂર્વક સંભાળી આગળ વધવું જોઈએ.
સેજલબેન ડોડીયા ના પતિ કેતનભાઈ ડોડીયા એક વર્ષ પહેલા બ્લડ કેન્સરની બીમારીને લીધે આ દુનિયામાંથી વિદાય થયા. 17 વર્ષના લગ્નજીવન પછી પતિનું અવસાન થતાં વજ્રાઘાત થી ભાંગી પડવાને બદલે સેજલ બેન ને એક વર્ષ પછી બ્લડ ડોનેશન કેમ્પ યોજીને રક્તદાનનું મહત્વ અને જરૂરિયાત શું છે તે સમજાવ્યું. અને આ રીતે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી. માનવ રક્ત એ મહામૂલું દાન છે કારણ કે તે કોઈ લેબોરેટરીમાં બનાવી શકાતું નથી. માનવ જ માનવને પોતાના રક્તનું દાન કરી બીજાનું જીવન બચાવી શકે છે. સેજલ બેન નો રક્તદાન કેમ્પ ના સંકલ્પ નો સેવાયજ્ઞ સુરજકરાડી માં સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં ૧૩૦ જેટલા રકતદાતાઓએ રકતદાન કર્યું હતું. કેમ્પ નો સમય સવારે ૧૦ થી સાંજે પ સુધી હતો. આ કેમ્પમાં પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્યના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, ઓખા ભાજપ અગ્રણી સહદેવસિંહ પબુભા માણેક, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ અને પૂર્વ પ્રમુખ ચેતનભાઈ માણેક ઉપસ્થિત રહ્યા હતા.