જામનગર શહેરના હાલારહાઉસ પાછળ આવેલા વિસ્તારમાં રહેતી યુવતીના પતિનો વ્યવસાય બે-ત્રણ મહિનાથી ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણ અનુભવતા મનમાં લાગી આવતા પંખાના હૂંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિતગ મુજબ કચ્છ જિલ્લાના માંડવી ગામના વતની અને હાલ જામનગર શહેરમાં હાલાર હાઉસ પાછળના ડો. હેડગેવાર ભવનવારી શેરીમાં આવેલા ‘શ્રીગાયત્રી આશરો’એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર-501 માં રહેતાં ભાવિનભાઈ ચંદ્રકાંતભાઈ ખેતાણી નામના કડિયા યુવાનની દુકાન છેલ્લાં બે-ત્રણ મહિનાથી બરાબર ચાલતી ન હોવાથી દંપતી આર્થિક સંકળામણ અનુભવતું હતું. જે બાબતની જાણ ભાવિનની પત્ની ગ્રીસાબેનને થઇ હોવાથી આ બાબતનું મનમાં લાગી આવતા સોમવારે મધ્યરાત્રિના સમયે પંખાના હૂંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના પતિ દ્વારા જાણ કરાતા 108 એમ્બ્યુલન્સના તબીબ દ્વારા યુવતીનું મોત નિપજ્યાનું જાહેર કરવામાં આવતા પીએસઆઈ ડી. જી. રાજ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


