લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં રહેતાં પતિ-પત્ની વચ્ચે ચા-પાણી પીવાની બાબતે બોલાચાલી થતાં પતિએ આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા પત્નીએ તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં રહેતાં વર્ષાબા અજીતસિંહ જાડેજા (ઉ.વ.23) નામના યુવતીને તેણીના પતિ સાથે અવાર-નવાર ઘરકામ બાબતે ઝઘડો થતો હતો. દરમિયાન બુધવારે બપોરના સમયે ઘરેથી જમીને વાડીએ ખેતીકામ માટે જતાં પતિ અજિતસિંહ મજબુતસિંહ જાડેજા સાથે ચા-પાણી પીવા બાબતે બોલાચાલી થઈ હતી. જેથી બોલાચાલી સંદર્ભે પતિએ પત્નીને ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું લાગી આવતા યુવતીએ તેણીના ઘરે રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની અજિતસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.