જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર પંથકમાં છેલ્લાં બે દિવસથી મેઘો મહેરબાન થયો છે. ગુરૂવારની સાંજથી વાતાવરણમાં પલ્ટા બાદ અવિરત મેઘસવારી જોવા મળી રહી છે. ગઈકાલે પણ આખો દિવસ દરમિયાન જોડિયા, કાલાવડ, લાલપુર, જામજોધપુર, જામનગર સહિતના પંથકોમાં મેઘરાજાનું મુકામ જોવા મળ્યો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી ત્રણ ઈંચ સુધી પાણી વરસ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદથી ખેતરો તથા માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. જ્યારે જામનગર શહેરમાં હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસે તેમ લોકો રાહ જોઈ રહ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પરિણામે દરેડ નજીક આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થ્યું હતું. રંગમતિ નદીમાં ઘોડાપૂર આવ્યા હતાં.
જામનગર જિલ્લામાં મેઘરાજાનો મુકામા જોવા મળી રહ્યો છે. આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન કાલાવડમાં સાડા ત્રણ ઈંચ, જોડિયામાં બે ઈંચ, લાલપુરમાં દોઢ ઈંચ, જામનગરમાં સવા ઈંચ, જામજોધપુરમાં એક ઈંચ, ધ્રોલમાં અડધો ઈંચ પાણી વરસ્યું હતું. તાલુકાઓની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતાં. આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન જામનગર તાલુકાના વસઈમાં 46 મિ.મી.(પોણા બે ઈંચ),લાખાબાવળમાં 41 મિ.મી.(દોઢ ઈંચ),મોટીબાણુંગારમાં 44 મિ.મી.(પોણા બે ઈંચ),ફલ્લામાં 40 મિ.મી.(દોઢ ઈંચ),જામવણથલીમાં 50 મિ.મી.(બે ઈંચ),મોટી બલસાણમાં 55 મિ.મી.(સવા બે ઈંચ),અલિયાબાડામાં 30 મિ.મી.(સવા ઈંચ),દરેડમાં 32 મિ.મી.(સવા ઈંચ),જોડિયા તાલુકાના હડિયાણામાં 16 મિ.મી.(અડધો ઈંચ),બાલંભામાં 14 મિ.મી.(અડધો ઈંચ),પીઠડમા 15 મિ.મી.(અડધો ઈંચ),ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં 25 મિ.મી.(એક ઈંચ),લૈયારામાં 4 મિ.મી., કાલાવડ તાલુકાના નિકાવામાં 10 મિ.મી., ખરેડીમાં 46 મિ.મી.(પોણા બે ઈંચ),મોટાવડાળામાં 10 મિ.મી., ભલસાણ બેરાજામાં 55 મિ.મી.(સવા બે ઈંચ), નવાગામમાં 25 મિ.મી.(એક ઈંચ),મોટા પાંચદેવડામાં 38 મિ.મી.(દોઢ ઈંચ),જામજોધપુર તાલુકાના સમાણામાં 27 મિ.મી.(એક ઈંચ),શેઠવડાળામાં 16 મિ.મી., જામવાડીમાં 22 મિ.મી., વાંસજાળિયામાં 19 મિ.મી., ધુનડામાં 35 મિ.મી.(દોઢ ઈંચ), ધ્રાફામાં 80 મિ.મી.(સાડા ત્રણ ઈંચ),પરડવામાં 22 મિ.મી., લાલપુર તાલુકાના પીપરટોડામાં 63 મિ.મી.(અઢી ઈંચ),પડાણામાં 30 મિ.મી.(સવા ઈંચ),ભણગોરમાં 42 મિ.મી.(પોણા બે ઈંચ),મોટા ખડબામાં 20 મિ.મી.(પોણો ઈંચ),મોડપરમાં 68 મિ.મી.(અઢી ઈંચ),હરીપરમાં 67 મિ.મી.(અઢી ઈંચ) વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. અડધાથી સાડા ત્રણ ઈંચ સુધી પાણી વરસી જતાં અનેક ચેકડેમો છલકાયા હતાં. વીજળીના કડાકા ભડાકા વચ્ચે થયેલા વરસાદ થી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી રંગમતિ નદીમાં ઘોડાપૂર આવ્યા હતાં. આ પાણીથી દરેડ નજીક આવેલું ખોડિયાર માતાજીનું મંદિરમાં પાણીમાં ગરકાવ થવા લાગ્યું હતું. તેમજ લાખોટા તળાવમાં પાણી લાવતી કેનાલમાં પણ પાણીની સારી આવક થતા લાખોટા તળાવમાં પાણીના નવા નીરની આવક શરૂ થઈ હતી.