દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ જિલ્લા કક્ષાની વીજ તંત્રની સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેરની કચેરી ન હોવાથી અહીંના અરજદારોને તેમજ અન્ય કામગીરી માટે જામનગર સુધીના ધક્કા થતા હોવાની બાબતે ભારે કચવાટની લાગણી જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરથી અલગ થયાને 11 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. તેમ છતાં પણ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેરની વર્તુળ કચેરી હજુ પણ અહીં કાર્યરત બની નથી. પરિણામે જિલ્લાના તમામ ચાર તાલુકાઓના અરજદારોને વિવિધ કામગીરી માટે જામનગર સુધી લાંબુ થવું પડે છે.
દ્વારકા જિલ્લાની પીજીવીસીએલની સ્થિતિ હાલ જોઈએ તો અહીં ખંભાળિયા અને દ્વારકા એમ બે ડિવિઝન આવેલા છે. શરૂઆતમાં માત્ર ખંભાળિયા ડિવિઝન હતું. હવે દ્વારકામાં કલ્યાણપુર તેમજ ખંભાળિયામાં ભાણવડ સબ ડિવિઝનનો સમાવેશ થાય છે. ખંભાળિયા ડિવિઝન હેઠળ ખંભાળિયા શહેર અને ગ્રામ્ય તેમજ વડત્રા અને રામનગર સાથે ભાણવડ એમ પાંચ સબ ડિવિઝન આવેલા છે. જેમાં અહીંના 115 ગામોમાં 152 ફીડરો અને 30,260 ટ્રાન્સફોર્મરો સાથેની વીજ લાઈનો કાર્યરત છે. જેમાં 1,13,200 જેટલા વીજ જોડાણો આવેલા છે.
દ્વારકા પીજીવીસીએલ સબ ડિવિઝનમાં દ્વારકા શહેર, દ્વારકા ગ્રામ્ય, ઓખા તેમજ કલ્યાણપુર, રાવલ અને ભાટિયા વિગેરે સબ ડિવિઝનમાં 117 ગામોમાં 165 ફીડરોમાં 27,125 ટ્રાન્સફોર્મરોમાં 1,08,410 વીજ કનેક્શન કાર્યરત છે. આમ, જિલ્લામાં સવા બે લાખ જેટલા વીજ જોડાણમાં દર મહિને વીજતંત્રને કરોડો રૂપિયાની આવક થાય છે. જિલ્લાના તમામ ચાર તાલુકાઓની વર્તુળ કચેરી જામનગર ખાતે આવેલી છે. જ્યારે ઓખાથી પડધરી સુધી આ મુખ્ય ડિવિઝનના 240 કિ.મી.સુધીના વિસ્તારના કામનું મુખ્ય કચેરીમાં ખૂબ જ ભારણ હોવાથી કોઈપણ પ્રકારની મંજૂરી જેવી પ્રક્રિયા માટે લાંબો સમય પસાર થઈ જાય છે.
પીજીવીસીએલ કચેરી જામનગર હોવાથી વ્યાપક નુકસાની તેમજ હાલાકીના એક ઉદાહરણમાં ડિસેમ્બર 2024 ની પરિસ્થિતિ બંને જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણોની અરજીની સ્થિતિ જોઈએ તો હાલ 1,145 છે. તેમાંથી જામનગરની માત્ર 177 અને દ્વારકા જિલ્લાની 968 અરજી છે. ત્યારે પીજીવીસીએલની મુખ્ય જિલ્લા કચેરી જામનગર ખાતે હોવાથી દ્વારકાની જનતાને લાંબો સમય પ્રતીક્ષા કરવી પડે છે. ઓખાની અરજી પહેલા દ્વારકા કાર્યપાલક ઇજનેર પાસે જાય, તે પછી જામનગર જાય પછી જ નિયત પ્રક્રિયા થઈ શકે છે. આ તમામ પ્રક્રિયામાં લાંબો સમય પસાર થઈ જાય છે. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની અલગ વર્તુળ કચેરી કરવી અનિવાર્ય બની રહી છે.
ઓગસ્ટ 2013 માં જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયો છે. ત્યારે આશરે સદા અગિયાર વર્ષ થવા છતાં પણ અહીં પીજીવીસીએલની જિલ્લા કક્ષાની વર્તુળ કચેરી મળી નથી. જો આ કચેરી અહીં કાર્યરત થઈ જાય તો લોકોના ઘણા પ્રશ્ર્નો હલ થઈ જાય તેમજ પ્રક્રિયા પણ ઝડપી બની જાય. અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા રાજ્યના કેબિનેટ મંત્રી છે. તેમજ સાંસદ પૂનમબેન માડમ પણ ખૂબ જ સક્રિય છે. ત્યારે દ્વારકા જિલ્લાની આ સગવડતાના મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી, તુરંત યોગ્ય કરવામાં આવે તેવી વ્યાપક લોકમાંગ ઉઠવા પામી છે.
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં પીજીવીસીએલની ઉચ્ચ કક્ષાએથી આવેલી વિવિધ ચેકિંગ ટુકડી દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને તાજેતરમાં ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા તાલુકાના વિરમદળ, ભાણખોખરી, ભીંડા, ફોટ, ભંડારીયા, સુતારીયા, સહિતના ગામોમાં કરવામાં આવેલી વીજ ચેકિંગની આ કામગીરી દરમિયાન ખેતીવાડી તેમજ ઘર વપરાશના વિવિધ જોડાણમાં રૂ. 23 લાખ જેટલી વીજ ચોરી પકડાઈ હતી. તેમાં દંડાત્મક બિલ ફટકારવામાં આવ્યા હતા.