દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરુવારે સાંજથી શરૂ થયેલું ‘બિપોરજોય’ વાવાઝોડું ગઈકાલે શુક્રવારે બપોર બાદ હળવું પડ્યું હતું. જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી વ્યાપક નુકસાની થવા પામી હતી. જેમાં ખાસ કરીને વીજપોલ તથા વૃક્ષો નુકસાનીગ્રસ્ત થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા મુશળધાર વરસાદથી મોટી સંખ્યામાં વૃક્ષો જમીનદોસ્ત થયા છે. આ ઉપરાંત હજારો વીજ થાંભલા પણ જમીનદોસ્ત થઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક રહેણાંક મકાનમાં રાખવામાં આવેલી સોલાર પેનલ તેમજ મકાનના પતરા ઉડી ગયા હતા. જિલ્લાના અનેક સ્થળોએ દીવાલો પડી જવા તેમજ કાચા મકાન ક્ષતિગ્રસ્ત બન્યાનું પણ જાણવા મળેલ છે.
દ્વારકા જિલ્લામાં ગુરુવારે સાંજે ચારેક વાગ્યાથી તેજ પવન ફુકાવવાનો શરૂ થયો હતો. જેણે સાંજે છએક વાગ્યાથી ગતિ પકડી હતી અને રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સમયે મહત્તમ 125 કિલોમીટર સુધીની સ્પીડ થઈ હતી. આ પરિસ્થિતિ શુક્રવારે સવારે પણ યથાવત રહી હતી અને 90 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાયો હતો. ગઈકાલે શરૂ થયેલા વાવાઝોડાની અસર આજે પણ હોવાથી ખંભાળિયાના દુકાનદારોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા અને શહેરની બજારો સુમસામ ભાસતી હતી. જો કે બપોર બાદ બજારમાં પાંખી અવરજવર જોવા મળી હતી. ભારે પવનના કારણે અને વૃક્ષો પડી ગયા હતા. મકાનનાના નળિયા તથા પતરા ઉડી ગયા હતા.
ખંભાળિયાની એસએનડીટી હાઈસ્કૂલમાં ચોથા માળે પ્રાર્થના હોલના તમામ પતરા કાગળની જેમ ઊડી ગયાનો વિડીયો વાયરલ થયો હતો. ગત રાત્રે ખંભાળિયા શહેરમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા અહીંના રામનાથ સોસાયટી, જોધપુર ગેઈટ, નગર ગેઈટ, સ્ટેશન રોડ તેમજ જડેશ્ર્વર રોડ પાસેના અંડર બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા.
અનેક આસામીઓ કે જેણે પોતાની સોલાર પેનલ ઉતારી ન હતી, તેજ ફૂંકાતા પવનમાં તેઓને સોલાર પેનલની નુકસાની વેઠવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલે બપોરથી જ વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જે આજે મોડી સાંજ સુધી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પૂર્વવત થયો હતો. ગઈકાલે સાંજ સુધીમાં લોકોના ઇન્વર્ટરની બેટરી પણ બેસી જતા લોકોની હાલાકી બેવડાઈ હતી. વીજ પુરવઠાના અભાવે ટીવી વગર અને ત્યાર પછી મોબાઈલ ફોનની બેટરી પણ બેસી જતા લોકો કંટાળી ગયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 7,000 જેટલા લોકોને સલામત આશ્રય સ્થાનો પર સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જ્યાં ભોજન, પાણી, નાસ્તા તથા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વાવાઝોડાની પરિસ્થિતિમાં સેવાભાવી યુવાનો તથા સંસ્થાઓએ લોકોને જરૂરી મદદ તથા હોસ્પિટલ સહિતની સેવાઓ પૂરી પાડી હતી.