સરકારના તંત્રો ખોટી પધ્ધતિએ કામ કરવા, ખોટું બોલવા અને ખોટાં કામો કરવાના મુદ્દે કુખ્યાત છે. એ હકિકત બધાને ખબર હોવા છતાં સરકારી તંત્રો પોતાની ખામીઓ અને અણઆવડત તથા કુંડાળાઓ છુપાવવા ખોટી વાતો કરતાં હોય છે.
દાખલા તરીકે જામનગર સહિતના સૌરાષ્ટ્રમાં વિજતંત્ર વર્ષના 365 દિવસ સમારકામ કરે છે. કરોડો રૂપિયાના બીલ બને છે. અવારનવાર સતાવાર અને બિનસતાવાર વિજકાપ લાદવામાં આવે છે. આમ છતાં ઉનાળાના આકરા દિવસોમાં કરોડો પ્રમાણિક વિજગ્રાહકોને વિજકાપને પરિણામે પરસેવે રેબઝેબ થવું પડે છે. આ સમસ્યા દાયકાઓ જૂની છે. તેની પાછળનું કારણ એ છે કે, વિજતંત્ર પોતાની કામગીરી યોગ્ય રીતે કરતું નથી.
વિજળી જેવો જ મામલો પાણીનો છે. વરસાદના દિવસોમાં જળાશયો ઓવરફલો થવાના સમાચારોનો ધોધ વહેતો હોય છે. ઘણાં હરખ પદુડાં લોકોતો એકમેકના મોઢાં પણ મીઠા કરાવતા હોય છે. બીજી તરફ કડવી વાસ્તવીકતા એ છે કે, જળાશયોની જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે સરકારો અને સ્થાનિક તંત્રો તથા આગેવાનો ખાસ કશી કામગીરી કરતાં નથી. રાજયનો નર્મદા ડેમ વિશાળ જળરાશિ ધરાવે છે અને વધુ એક વખત ઓવરફલો થયો છે. એ પ્રકારના સમાચારો ચોમાસાના સમયમાં જોવા મળે છે.
ત્યારપછી જાન્યુઆરી ફેબ્રુઆરીથી ધીમે-ધીમે પાણી કાપની શરૂઆત થઇ જતી હોય છે. દર વખતે સૌરાષ્ટ્ર અને ગુજરાત કક્ષાના અધિકારીઓ તથા જામનગર મહાનગરપાલિકા પણ લોકો સમક્ષ સમાચારોના માધ્યમથી ઉપજાવી કાઢેલાં બહાનાઓ જાહેર કરતી હોય છે અને પ્રજાને પાણી માટે તડપાવતા હોય છે.
આજે પણ જામનગર માટે આ પ્રકારનો સુકો દિવસ છે. આજે શહેરના 60 થી વધુ વિસ્તારોમાં સતાવાળાઓએ પાણી નહીં ની જાહેરાત કરી દીધી છે. જેને પરિણામે આકરા ઉનાળાના આ દિવસોમાં શહેરના 44,000 પરિવારો પાણીથી વંચિત રહેશે અને આ પરિસ્થિતિ જામનગર તથા રાજકોટ શહેર કે, ગ્રામ્ય વિસ્તારો માટે નવી નથી. દર વર્ષે આ દિવસોમાં સતાવાળાઓ વિજકાપની માફક પાણી કાપ ઝીંકી પ્રજાને પરેશાન કરે છે. નવાઇની વાત એ પણ છે કે, કાઠિયાવાડની પ્રજા મોજીલી હોવાની સાથે સાથે બેહદ સહનશીલ અને ઓછી જાગૃત છે. જેને પરિણામે દર વર્ષે આ પ્રકારની કાળી કહાણીઓ જામનગર સહિતના શહેરોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં રિપીટ થતી રહે છે.
પાણીની પાઇપલાઇન લિકેજ અને સમારકામ માર્ચથી જુન દરમ્યાન શા માટે ?!
દર વર્ષે આકરા ઉનાળામાં સૌરાષ્ટ્રભરમાં મહાનગરપાલિકાઓના પાપે નગરજનો પાણી માટે વલખાં મારતાં હોય છે