રાજકોટનો અહેવાલ જણાવે છે કે, સેશન સાઇટ અને રસીના જથ્થા મામલે સરકારની સુચના છે કે, વધુમાં વધુ 5000 યુવાઓનું જ રોજ વેક્સિનેશન કરવું. આ નિવેદન રાજકોટના મ્યુનિસિપલ કમિશ્ર્નરનું છે.
રાજકોટમાં 18 થી 44 વર્ષના યુવાઓ વેક્સિન લેવા માટે થનગને છે. પરંતુ દરરોજ વધુમાં વધુ માત્ર 5000 લોકોને જ વેક્સિન આપવામાં આવશે. એવી રાજય સરકારની સુચના છે.
તેની સામે જામનગરની સ્થિતિ કંગાળ છે. યુવાઓ માટે સાંજે 5 વાગ્યે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થાય છે. કોઇ પણ સેશન સાઇટ પર 100 આસપાસ લોકો નોંધણી કરાવી લ્યે એટલે તરત આ સેશન સાઇટ ફુલ્લી બ્લોકડ જાહેર થઇ જાય છે. પછી તેના પર યુવાઓ નોંધણી કરાવી શકતા નથી. આજે ચોથી મે માટે મહાનગરપાલિકાએ ગઇકાલે સોમવારે 15 સેશન સાઇટ જાહેર કરી હતી. આ હિસાબે ગણીએ તો આજે વધુમાં વધુ 1500 યુવાઓનું વેક્સિનેશન થશે.
જામનગરની અંદાજીત વસ્તી 7 લાખ ગણો અને તેમાં 18 થી 44 વર્ષના લોકોની વસ્તી 2થી 3 લાખ ગણો તો રોજના 1500 યુવાઓનું વેક્સિનેશન થાય તો શહેરના તમામ યુવાઓનું વેક્સિનેશન થવામાં કેટલાં વર્ષ લાગે ? માંડો ત્રિરાશિ.