પાખંડી આસારામના ટ્રસ્ટો દ્વારા ગુજરાતમાં ઠેરઠેર સરકારી જમીનો ઉપર દબાણ કરી પાપાચારના થાણા એવા આશ્રમો બનાવ્યા છે, પણ આ પાખંડી રાજ્ય સરકારનો માનીતો હોઈ હજી એની સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કોઈ કાર્યવાહી નહીં કરી રાજ્ય સરકાર એને બચાવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં આસારામ આશ્રમ ટ્રસ્ટે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોવાનું વિધાનસભામાં મંગળવારે રાજ્ય સરકારે કબૂલ્યું હતું, પરંતુ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીના મામલે મેટર સબજ્યુડાઇસ હોવાનું જણાવી હાથ અધ્ધર કરી દીધાં હતા. આ પ્રકારનો રિપોર્ટ જાહેર થઇ જતાં ચકચાર મચી છે.
રાજ્યમાં આસારામના આશ્રમો દ્વારા સરકારી જમીનો ઉપર ગેરકાયદે દબાણના મામલે પ્રશ્ર્નોત્તરી દરમિયાન પ્રશ્ર્ન પુછાયો હતો. રાજ્ય સરકાર દ્વારા લેખિત જવાબમાં કબૂલાત કરાઈ હતી કે, જૂનાગઢ જિલ્લામાં આસારામ આશ્રમ ટ્રસ્ટ દ્વારા સરકારી જમીન ઉપર દબાણ થયું છે. કેટલી જમીન પાખંડી આસારામે બથાવી છે તેની કોઈ વિગતો વિધાનસભામાં અપાઈ ન હતી, પરંતુ એમ જણાવાયું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે બથાવેલી સરકારી જમીન સરકાર હસ્તક પરત લેવા જૂનાગઢ કલેક્ટરે તથા મહેસૂલ વિભાગમાં વિવાદ બાબતો સંભાળતા અધિક સચિવે હુકમો કરવામાં આવેલા છે, જેની સામે આસારામ આશ્રમ ટ્રસ્ટે જૂનાગઢની સિવિલ કોર્ટમાં દીવાની દાવો દાખલ કરેલો છે, જે હાલ પડતર છે. વિધાનસભામાં આ કિસ્સામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ છે કે કેમ એવું પુછાયું હતું, જેના લેખિત પ્રત્યુત્તરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કોઈ કાર્યવાહી હજી સુધી નહીં થઈ હોવાનું સરકાર દ્વારા જણાવાયું હતું.