ગુજરાતમાં આરોગ્ય સેવાઓ કેવી છે? અને આરોગ્યના ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે? તે અંગે સમાચારોમાં અવાર નવાર આંકડાઓ પ્રગટ થતાં હોય છે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના તમામ રાજયોને આરોગ્ય પાછળ ખર્ચ વધારવા સુચનાઓ આપેલી છે. આમ છતાં ગુજરાતમાં સરકારના વાર્ષિક બજેટમાં આરોગ્ય પાછળ કરવાના થતાં ખર્ચના આંકડાઓ ઓછાં હોવાનું ચિત્ર જાહેર થયું છે.
કેન્દ્ર સરકારે 2017માં નવી નેશનલ હેલ્થ પોલીસી હેઠળ ગુજરાત સહિતના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરોગ્ય પાછળ કરવાનો થતો ખર્ચ વધારવા સુચનાઓ આપેલી છે.ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રમાં શું સ્થિતિ છે? તે પ્રશ્ર્નોનો જવાબ અત્રે આંકડાઓથી મેળવવાનો પ્રયત્ન કરીએ.
ગુજરાતમાં હાલમાં કોરોના મહામારી દરમ્યાન છેલ્લાં 14 મહિનાથી આરોગ્ય સેવાની ઘણી મર્યાદાઓ છતી થઇ રહી છે. તેની પાછળ એક કારણ એ પણ હોય શકે કે, ગુજરાત સરકાર દર વર્ષે બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે જે રકમ ફાળવે છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારે પોતાની સુચનામાં રાજયોને એમ જણાવ્યું છે કે, દરેક રાજયએ 2025 સુધીમાં પોતાના જીડીપીના 2.5% જેટલો ખર્ચ આરોગ્ય પાછળ કરવો જોઇએ. વાસ્તવિકતા એ છે કે, રાજયો હાલમાં જી.ડી.પીના માત્ર 1.15%નો ખર્ચ આરોગ્ય પાછળ કરે છે.કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે, રાજયોએ પોતાના કુલ વાર્ષિક બજેટની 8% રકમ આરોગ્ય પાછળ ખર્ચ કરવી જોઇએ. કેન્દ્ર સરકારની આ સ્પષ્ટ સુચના આદેશના અર્થમાં હોવા છતાં, ગુજરાત સરકારે 2016-17મા રાજયના બજેટની માત્ર 5.7% રકમ આરોગ્ય પાછળ ખર્ચ કરી હતી. 2020-21નું વર્ષ કોરોના મહામારીનું હોવા છતાં રાજય સરકારે બજેટની માત્ર 5.2% રકમ આરોગ્ય પાછળ ખર્ચ કરી છે.
રાજય સરકારે વર્ષ 2020-21માં અંદાજપત્ર બનાવ્યું ત્યારે આરોગ્ય પાછળ 2,17,287 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ બાંધ્યો હતો. ત્યારબાદ રાજય સરકારે બજેટનો વાર્ષિક અંદાજ રિવાઇઝડ કર્યો ત્યારે આ આંકડો ઘટીને રૂા.2,05,026 કરોડ કરી નાખવામાં આવ્યો હતો.કોરોના મહામારી છતાં ગુજરાત સરકાર આરોગ્ય સેવા પાછળનો ખર્ચ શા માટે ઘટાડી રહી છે ? આરોગ્ય ખર્ચ વધારવાની કેન્દ્ર સરકારની સુચનાનું ગુજરાત સરકાર પાલન શા માટે નથી કરતી? આ પ્રકારના પ્રશ્ર્નો જાણકારોમાં ગંભીર રીતે ચર્ચાઇ રહ્યા છે.
કોરોના મહામારી છતાં ગુજરાત સરકાર આરોગ્ય ખર્ચ શા માટે ઘટાડી રહી છે ?!
આરોગ્ય પાછળ ખર્ચ વધારવાની કેન્દ્ર સરકારની સલાહ માનવામાં આવતી નથી