કેસર કેરીની આવકનો આરંભ તાલાલાથી થાય એ પછી જ ફળ બજારમાં કેસરીયો રંગ છવાય છે. મંગળવારે તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો આરંભ થયો હતો. પ્રથમ દિવસે ઉંચો ભાવ રહેતા ખેડૂતોને કમાણી થઇ હતી. જોકે હવે આવકમાં વૃધ્ધિ થશે તેમ તેમ કેરી લોકોની પહોંચમાં પણ આવી જશે.
તાલાલા યાર્ડમાં પ્રથમ દિવસે 5600 બોક્સ (10 કિલોનું એક) ની આવક થઇ હતી. આવક ગયા વર્ષ જેટલી જ છે પરંતુ ભાવ સારો મળતા ખેડૂતોમાં ઉત્સાહ હતો. માર્કેટ યાર્ડના ચેરમેન સંજય શીંગાળાએ હરાજીનો પ્રારંભ કરાવ્યો ત્યારે ગૌમાતાના લાભાર્થે પ્રથમ બોક્સ રુ. 11 હજારમા વેંચવામાં આવ્યું હતુ.
હરાજીમાં સારી ગુણવત્તાની કેરીના એક બોક્સનું રુ. 750માં વેચાણ થયું હતુ જ્યારે નબળી કેરી રુ. 300માં વેચાઇ હતી. સરેરાશ ભાવ રુ. 525 રહ્યા હતા. પાછલા વર્ષમાં પ્રથમ દિવસે સરેરાશ રુ. 375નો ભાવ રહ્યો હતો.
તાલાલા માર્કેટ યારડમાં ગયા વર્ષે કેરીની સીઝન 10મી મેથી શરું થઇ હતી. તે 37 દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન દસ કિલોનું એક એવા 6.87 લાખ બોક્સનું વેચાણ કરવામાં આવ્યું હતુ. સીઝન દરમિયાન કેરીના વેચાણ પૈકી એક બોક્સનો સરેરાશ ભાવ રુ. 410 મળ્યો હતો. જે બે દાયકામાં સૌથી ઉંચો હોય કેસર કેરીના ખેડૂતોને ભાવથી સંતોષ થયો હતો.
કેરીનો પાક ગયા વર્ષની સરખામણીએ ઓછો છે. આ વર્ષે વાતાવરણની થપાટો અનેક વખત લાગી હોવાથી પાકને નુક્સાન પણ થયું છે. છતાં કેરીનો વાવેતર વિસ્તાર ઉંચો હોવાને લીધે કેરીની આવક સારી થાય છે અને લોકોને પહોંચમાં પણ ભાવ રહે છે.
બીજી તરફ ધારી પંથકમાં સતત એક સપ્તાહથી કરાં સાથે વરસાદ પડી રહ્ય છે એ કારણે કેરીના પાકને 90 ટકા જેટલી નુક્સાની થઇ હોવાનું સામે આવ્યું છે. એક તરફ કોરોનાનો કહેર અનેબીજી તરફ કુદરતી આફત છે એટલે ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઇ છે.
ધારીના સુખપુર,ધારીના સુખપુપ-ક્રાંગસા-દલખાણીયા-ચાંચઇ-પાણીયા-ગાવિંદપુર-દુધાળા સહિતના ગામોમાં છેલ્લાં એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. એનાથી કેરી ખરી પડી હતી. જે કેરી ટકી શકી છે તે બરાબર પાકે તેમ નથી. કેરીમાં ચાંદી પડી રહી છે. ખેડૂતો પાસે નાશ કરવા સિવાય કોઇ ઉપાય રહ્યો નથી. આમ 90 ટકા નુક્સાની ખેડૂતો દર્શાવી રહ્યા છે.