ભારતના રાજકારણમાં નેતાઓ અને ગુનાખોરીની સાંઠગાંઠ નવો વિષય નથી. આ પ્રકારની ભાગીદારીમાં પોલીસની પણ સક્રિય અને વરવી ભૂમિકા હોવાનું સૌ જાણે છે. ન્યાયતંત્ર વાતાવરણને શુધ્ધ કરવા માટે અત્યારસુધીમાં ઘણાં પ્રયાસો કરી ચુકયું છે. પરંતુ કરોડો દેશવાસીઓના કમનસીબે, આ મામલે નેતાઓ -ગુનેગારો અને પોલીસતંત્ર વચ્ચેના દુષ્ટ જોડાણને ખતમ કરવામાં કોઇને સફળતા મળી નથી. હવે પરિસ્થિતિ એ આવીને ઉભી રહી ગઇ છે કે, દેશની સૌથી મોટી અદાલતે પણ આ મામલે હાથઉંચા કરી દીધા છે અને દેશના આ પ્રકારના પ્રદૂષિત વાતાવરણને સુધારવાના મુદ્દે પોતાની અશક્તિ જાહેર કરી દીધી છે. કરોડો દેશવાસીઓનો અંતિમ આધાર એવું ન્યાયતંત્ર પણ આ મુદ્દે વામણું જાહેર થતાં કરોડો દેશવાસીઓ નિરાશ બની ચુકયા છે !
ઘણી વખત જુદાં જુદાં કાળખંડમાં વિવિધ રાષ્ટ્રો માટે આ પ્રકારની ગંભીર અને ચિંતાજનક સ્થિતિઓ સર્જાતી રહે છે. જે-તે રાષ્ટ્રના નાગરિકોએ એકમેકના સહયોગથી આ પ્રકારની આઘાતજનક સ્થિતિનો માર્ગ શોધવાનો હોય છે. જે પ્રજા આ પ્રકારનો માર્ગ શોધી શકતી નથી, એ રાષ્ટ્રનું અંતે પતન થતું હોય છે અને લુંટારાઓ દેશમાં લુંટફાટ મચાવતા હોય છે.
ભારતમાં એક પણ રાજકીય પક્ષ ગુનાખોરોનો આશ્રય લેવામાં નાનપ અનુભવતો હોય એવું લગભગ કયાંય જોવા મળતું નથી. દરેક રાજકીય પક્ષમાં બાહુબલીઓ અને માફિયાઓની બોલબાલા નાગરિકો દાયકાઓથી જોઇ રહ્યા છે. દેશમાં ચુંટણીસુધારાઓ,પોલીસસુધારાઓ પ્રત્યે દાયકાઓથી રાજકીય પક્ષોએ ધ્યાન આપ્યું નથી.કારણ કે,આ પ્રકારનો બગાડ પક્ષો માટે ફાયદારૂપ છે. દેશની શાંતિ, સમૃધ્ધિ અને સલામતી માટે રાજકારણની સ્વચ્છતા સૌથી મહત્વનો મુદ્દો છે. કમનસીબે નેતાઓ અને પ્રજા આ મુદ્દે ગંભીર નથી. જેને પરિણામે સમગ્ર દેશમાં અંધકાર ભરેલી સ્થિતિ જોવા મળે છે. કયાંય આશાનું કોઇ કિરણ નજરે ચડતું નથી. આ સ્થિતિમાં જનતાજનાર્દને પોતાની શાંતિ, સમૃધ્ધિ અને સલામતી માટે જાતે વિચારવું પડશે. રાજકીય પક્ષો પર સ્વચ્છતા મુદ્દે દબાણ સર્જવું પડશે. સાથે સાથે પ્રચાર પ્રસાર માધ્યમોએ પણ આ શાંતિ યજ્ઞમાં આહુતિઓ આપવી પડશે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સર્જાયેલી હાલની સ્થિતિ આઘાતજનક છે. જનતાજનાર્દન વેળાસર જાગશે નહીં તો, આપણી આવતી પેઢીઓ અંગ્રેજોની ગુલામી કરતાં પણ દર્દનાક ગુલામીમાં સબડવા મજબૂર બનશે. તાજેતરમાં સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ રીતે બિહારના એક મામલામાં જણાવી દીધું છે કે, દેશના રાજકારણને અપરાધીકરણથી મુકત કરી શકાય એમ નથી. સુપ્રિમ કોર્ટની આ લાચારી અને રાજકીયપક્ષોની દાદાગીરી કરોડો દેશવાસીઓના વર્તમાન અને ભવિષ્ય પર પૂર્ણગ્રહણની માફક છવાઇ અંધકાર ફેલાવી રહ્યા છે !!