દિલ્હીમાં યમુનાની જેમ જામનગરમાં રંગમતિ નદી પણ ઝેરી પ્રદૂષણનો શિકાર બની રહી છે. શહેરની ભાગોળેથી પસાર થઈ રહેલી રંગમતિના પાણી સાથે વહી રહેલા સફેદ ફિણમાં ગોટેગોટા ખતરનાક રાસાયણિક પ્રદૂષણની ચાડી ખાઈ રહ્યા છે. કોણ ઠાલવી રહ્યું છે આ ઝેર…??
ચોમાસા પહેલા જામ્યુકોના તંત્ર દ્વારા નદીના વહેણને અવરોધતા દબાણો દૂર કરીને તેને ઉંડી અને પહોળી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ, નદીમાં વહેતા પાણીને પ્રદૂષ મુકત કરવાના પ્રયાસો હજુ સુધી કરવામાં આવ્યા નથી. આજે પણ નદીમાં અનેક જગ્યાએ પ્રદુષિત કચરો ઠલવાઈ રહ્યો હોવા છતાં જામ્યુકો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નદી પ્રદૂષણને લઇને સખ્ત આદેશો હોવા છતાં બંને તંત્રો ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને બેઠા છે.
View this post on Instagram
જામનગરમાં વ્હોરાના હજીરા પાસેથી પસાર થતી નદીના આ દ્રશ્યો ગંભીર ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે. ઝેરી કેમિકલ યુકત પાણી ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરી રહ્યા છે. શહેરીજનોના આરોગ્ય સાથે આ ગંભીર ચેડાં છે આ ખતરનાક પ્રદૂષણ માટે જવાબદાર કોણ…?
જામનગર શહેરની હવાને સ્વચ્છ બનાવવાનો એકશન પ્લાન બનાવનાર જામ્યુકોના સત્તાધિશોએ નદીને પ્રદૂષણ મુકત કરવાનો એકશન પ્લાન પણ વહેલીતકે તૈયાર કરવો જોઇએ. રિવરફ્રન્ટ તૈયાર થાયને તે પહેલાં નદીને પ્રદૂષણ મુકત કરવી જરૂરી છે.
‘જાગો જામનગરીઓ જાગો… તંત્ર અને નેતાઓને પણ જગાડો’ આખરે આપણાં અને આપણી ભાવિ પેઢીના આરોગ્યનો સવાલ છે.


