કોરોના-વેકસીન જેવાં મુદ્દાઓ પર અત્યાર સુધીમાં ઘણું લખાયું-દેખાડાયું- કહેવાયું છે અત્રે એ વિષયો પર કશુંક લખતાં પહેલાં, ભારતના કેટલાંક જાણીતા નામો પૈકીનું એક અદર પૂનાવાલા વિષે કશુંક લખવાની ઇચ્છા રોકી શકાતી નથી.
1981ની 14 મી જાન્યુઆરીએ જન્મેલાં અદર સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિાયાના સીઇઓ છે અને ભારતમાં તથા વિદેશમાં કોરોના-વેકસીન સંદર્ભે ‘સિરમ’ શું ચીજ છે? તે આપણે સૌ જાણીએ છીએ.
1988માં સાયરસ પૂનાવાલાએ સ્થાપેલી સિરમ કંપની વિશ્વની સૌથી મોટીવેકસીન ઉત્પાદક કંપની છે. જે તમે કાદચ જાણતાં જ હશો. (વેકસીન ડોઝની સંખ્યાની દષ્ટિએ) અને આ તોતિંગ કંપનીના સીઇઓ હોવું એ પોતે જ એક પ્રકારની ઉપલબ્ધિ લેખાવી શકાય.
પૂનાની ધ બિપ્સ સ્કૂલ અને સેન્ટ એડમન્ડ સ્કૂલ, કેન્ટબરીમાં શિક્ષણ મેળવનાર અદરએ વેસ્ટ મિનિસ્ટરની યુનિ.માંથી પણ પદવી મેળવેલી છે. તેઓ દસ વર્ષથી આ કંપનીના સીઇઓ છે. તેઓનાં પત્નીનું નામ નતાશા છે. સાયરસ પૂનાવાલા અદરનાં પિતાનું નામ છે.
2001માં સિરમમાં જોડાયા પછી 2011માં અદર કંપનીના સીઇઓ બની ચૂકયા હતાં. 2011માં આ કંપની પોતાની પ્રોડકટસ (વેકસીન) વિશ્વના 35 દેશોમાં નિકાસ કરતી હતી.
અદર મોટેભાગે આંતરરાષ્ટ્રીય વેપાર, ન્યૂ પ્રોડકટ લાયસન્સ તથા WHO, UNO તેમજ અન્ય વૈશ્વિક સંસ્થાઓની, સાથે જોડાયેલ પોતાની કંપનીની બાબતો પર ધ્યાન આપે છે.2015 સુધીમાં અદરે વિશ્વમાં 140 દેશોમાં પોતાની નિકાસો પહોંચાડી દીધી. કંપનીની 85 ટકા આવક ગ્લોબલ માર્કેટમાંથી છે.
2011માં કંપનીના સીઇઓ બન્યાં પછી બીજા જ વર્ષે અદરે નેધરલેન્ડની સરકારી વેકસીન કંપની બિલ્થોવન બાયોલોજિકલ હસ્તગત કરી લીધી. 2014માં અદરે પોતાની કંપની મારફત પોલિયોના ઓરલ ટીપાં લોન્ચ કર્યા. જે બેસ્ટસેલર પૂરવાર થયા. પોલિયો ઉપરાંત ડેન્ગ્યૂ-ફલૂ તથા સર્વિકલ કેન્સરના ક્ષેત્રમાં તેઓએ એ જ અરસામાં નોંધપાત્ર કામ કરેલું.
અદરે ઘણાં નેશનલ-ગ્લોબલ એવોર્ડ મેળવ્યા છે. 2018માં તત્કાલીન ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે(મહારાષ્ટ્ર) તેઓને બિઝનેસ લીડર ઓફ ધ યર કાર્યક્રમમાં ઇટીનાં એવોર્ડથી નવાજેલા એ જ અરસામાં તેઓએ સીએનબીસીનો સીએસઆર એશિયા એવોર્ડ પણ હાંસલ કરી લીધો હતો.
2020માં તેઓ ફોરચ્યૂન મેગેઝીનનાં 40 અન્ડર 40 માં પણ સામેલ રહ્યાં હેલ્થકેર કેટેગરીમાં માર્ચ 2021માં તેઓની રસી કોવિશિલ્ડ(કોરોના માટેની) ભારતમાં તથા ઓકસફર્ડની એસ્ટ્રાઝેનેકા(ભારતમાં સિરમ દ્વારા ઉત્પાદિત) ધૂમ મચાવા માંડેલી, જે સૌને યાદ હશે જ અદર પૂનાવાલા એમ પણ કહ્યું કે, કોરોના વેક્સિન માટે જે અતિ મહત્વનું રો-મટિરિયલ છે. તે અમેરિકા-યુરોપના દેશોએ પ્રતિબંધોની યાદીમાં મૂકયું છે. જેને કારણે વેક્સિનના વૈશ્વિક ઉત્પાદકોને અસરો પહોંચી છે. પૂનાવાલાએ સાથે એ પણ કહેલું કે, અમારી કંપનીએ નિકાસો પર કોઇ પ્રતિબંધ નથી મૂકયો. અમે ભારતને માત્ર પ્રાયોરિટી લિસ્ટમાં રાખવું છે બે મહિના માટે. જ્યારે અન્ય દેશોએ રો-મટિરિયલ બાન કર્યું છે.
આગામી સપ્ટેમ્બર સુધીમાં અદરની કંપની સિરમને કોરોનાની અન્ય વેક્સિન કોવાવેકસ માટે પણ લાયસન્સ મળી જશે. અદર કહે છે: જે કોરોના દર્દીઓ માઇલ્ડ લક્ષણો ધરાવે છે, અને હોસ્પિટલાઇઝડ નથી તેઓ માટે કોવોવેકસ-કોવિશિલ્ડ 95 ટકા જેટલી અસરકારક છે. હાલમાં સિરમ દરમહિને 6.5 કરોડ કોવિશિલ્ડ વેકિસન ડોઝનું ઉત્પાદન કરે છે. જે જૂન સુધીમાં 11 કરોડ ડોઝ જેટલું થઇ જશે. અદર પૂનાવાલાએ તાજેતરમાં મુંબઇની નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની મેગ્મા ફિનકોર્પમાં 60 ટકા હિસ્સો ખરીદવા તૈયારી દર્શાવેલી તેને ભારત સરકારે મંજુરી આપી દીધી છે.
પૂનાવાલાએ તાજેતરમાં ભારત સરકાર પાસે રૂા. 3,000 કરોડની ગ્રાન્ટ પણ માંગી છે. જે અત્રે ઉલ્લેખનિય છે. ભારતમાં કોરોનાના વાયરસમાં વિવિધ પ્રકારનો મ્યુટેશન જોવા મળે છે. ભારત સરકારે આ પ્રકારના 10787 સેમ્પલ એકત્ર કર્યા છે. તપાસ્યા છે. આ પ્રકારના મ્યૂટેશનને કારણે વેકસીનની અસરકારકતા અંગે સવાલો ઉઠે છે પરંતુ હજુ સુધી ભારત સરકારે આ અંગે કોઇ આખરી નિવેદન નથી આપ્યું ! કોવાકસીન ભારત બાયોટેકની વેકસીન છે.
ભારતમાં ચૂંટણીઓ-ઉત્સવો-વેકસીનની નવા સ્ટ્રેઈન પર ઓછી અસરકર્તાના સમયમાં આ બધી બાબતોના સંદર્ભમાં હર્ષવર્ધન (સ્વાસ્થ્યમંત્રી) તથા કેન્દ્રીય મંત્રી જાવડેકર બિનભાજપાશાસિત રાજ્યોની નિષ્ફળતા અંગે ઉલ્લેખ કરે છે ત્યારે પ્રધાનમંત્રી માટે વેકસીન સ્ટ્રેટેજી વધુ મહત્વનો મુદ્દો બની ગયો છે.
અત્રે નોંધનીય છે કે, અમેરિકા-બ્રિટનમાં 50 ટકા વસતિનું રસીકરણ થઈ ચૂકયું છે. ભારતમાં માત્ર 7/8 ટકા વસતિનું જ વેકસીનેશન થયું છે. અમેરિકા-બ્રિટને વેકસીન કંપનીઓ માટે પુષ્કળ નાણાં વાપર્યા છે. ભારતમાં સંશોધન-ઉત્પાદન ક્ષેત્રે મોટી સફળતા નથી મળી. તે સ્થિતિમાં ભારત સરકારની આગામી વેકસીન સ્ટ્રેટેજી શું હશે ?
ભારતમાં જે રસી કોવિશિલ્ડ તરીકે ઓળખાય છે. તે ઓકસફર્ડની એસ્ટ્રેઝેનિકા તરીકે દ. આફ્રિકા મોકલવામાં આવેલ પરંતુ તે ત્યાં સફળ ન રહેતાં, પૂનાવાલાએ દ. આફ્રિકાની સરકારને નાણાં પરત આપવા પડયા છે. ભારતમાં પણ કોરોનામાં વિવિધ વેરિએન્ટ જોવા મળે છે. જેમાં યુ.કે.-સાઉથ આફ્રિકન અને બ્રાઝિલિયન સ્ટ્રેઇનનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટ્રેઈન સામે કોવિશિલ્ડ-કોવાકસીન કેટલી કાગરત નિવડશે ? તે પ્રશ્ર્નનો જવાબ હાલ ભારત સરકાર પાસે નથી. આ નવા સ્ટ્રેઈનને કારણે પોઝિટિવ કેસોની તથા કોરોના દર્દીઓના મોતની સંખ્યા વધી છે!
ઓઇલ અને ટેલીકોમના ક્ષેત્રમાં સરકાર ‘સલામત’ સ્તરે નથી પહોંચી શકી. વેકસીનના ક્ષેત્રમાં પણ આમ બનશે તો ? ભારતમાં કોરોનાની સ્થિતિ કેટલી બિહામણી બનશે ? તેવો પ્રશ્ન પણ મીડિયામાં ઉઠયો છે. લોકડાઉન પણ ભારતને પોસાય તેમ નથી. દેશનું અર્થતંત્ર ગતિ પકડી રહ્યું છે. ત્યારે જ બની રહેલી આ બધી બાબતો દેશની વૃદ્ધિને પણ અસર કરશે, ચોકકસ.