પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે વધુ એકવાર કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા અણિયાળો સવાલ કર્યો હતો કે આખરે આ મામલે અત્યાર સુધીમાં કરવામાં શું આવ્યું ? આમાં વ્યક્તિગત ફોનનું હેકિંગ થયું છે કે નહીં ? કેન્દ્ર સરકાર તરફથી શા માટે સોગંદનામું દાખલ કરવામાં આવ્યું નથી તેવા અદાલતના સવાલના જવાબમાં સરકારના પક્ષેથી કહેવામાં આવ્યું હતું કે, સરકાર પાસે આમાં છૂપાવવાનું કંઈ જ નથી પણ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો હોવાથી સરકાર આ મામલે સોગંદનામું દાખલ કરવા માગતી નથી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો છે.
સરકારનો પક્ષ રજૂ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આ કિસ્સામાં કોઈ વાત સોગંદનામાથી જાહેર કરી શકાય તેવી નથી. એફિડેવિટ દાખલ કરીને તેને જાહેર કરવું સંભવ નથી, કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે.
સરકારની આવી દલીલ પછી સર્વોચ્ચ અદાલતના પ્રમુખ ન્યાયાધીશ (સીજેઆઈ) એન.વી.રમન્નાએ કહ્યું હતું કે, જો સરકાર અતિરિક્ત સોગંદનામું દાખલ નહીં કરે તો અદાલતે આમાં પોતાનો આદેશ ફરમાવવો પડશે. આશરે દોઢેક કલાક સુધી ચાલેલી દલીલ બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો વચગાળાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
સરકાર તરફથી કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, અમે આતંકવાદીઓને એ જાણવાનો મોકો આપી ન શકીએ કે ક્યા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. જેને પગલે અદાલતે કહ્યું હતું કે, સુરક્ષાના તર્કને અદાલત સમજે છે પણ સરકારને આ વિશે કંઈ જણાવવાની આવશ્યકતા પણ નથી. અદાલતનો પ્રશ્ન ફક્ત એટલો જ છે કે ખાનગી ફોન ટેપ કરાયાના જે આરોપો લાગી રહ્યા છે તે ખરા છે કે ખોટા ? કઈ એજન્સી પાસે આવી ક્ષમતા છે અને તેને આવી રીતે હેકિંગની સત્તા આપવામાં આવી હતી કે નહીં ? ઘણા લોકો પોતાની નિજતાનું ઉલ્લંઘન થયું હોવાનો દાવો કરે છે. જેને પગલે સોલિસિટર જનરલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ આવું કહી રહ્યું હોય તો મામલો ગંભીર છે અને સરકાર તેની તપાસ કરવા માટે તૈયાર છે. આની તપાસ માટે નિષ્ણાતની એક સમિતિની રચના કરવામાં આવશે.
ખાનગી ફોન ટેપ થયાં છે કે કેમ ?: સુપ્રિમ કોર્ટનો સરકારને પ્રશ્ન
સરકાર જાસૂસી મામલાની તપાસ માટે સમિતિ રચવા તૈયાર: સરકારે કોર્ટમાં કહ્યું